________________
[૧.૨] નિર્દોષ ગ્રામ્યજીવન
પ્રશ્નકર્તા : હા, હા.
દાદાશ્રી : એ તો એવું છે ને, નાનપણમાં નામ મારું ખરેખર ગલાભાઈ નહોતું. ગલાભાઈ નામનું તો કારણ છે.
પ્રશ્નકર્તા ઃ શું કારણ, દાદા ?
દાદાશ્રી : અમારા પાડોશમાં એક અંબાલાલ કરીને ભાઈ રહેતા'તા, અંબાલાલ મોતીભાઈ કરીને. એમના વાઈફનું નામ પુનીબા, મારા બાથી નાના થોડાક, દસેક વર્ષે. તે પુનીબા રોજ મને ઘેર તેડી (જોડે) લઈ જાય. બા શરીરે સ્થૂળકાય અને મને તેડી જાય. તે ગાલ પર હાથ ફેરવે, રાજી થઈ જાય.
૧૫
એમને ભાવ આવે, બધું સારું સારું ખવડાવે અને પછી હું ઘેર આવતો રહું. પછી પાછો જઉ ત્યારે સાંકળ ખખડાવું બહારથી, અંદર મહીં પેસેજ જેવું, બહાર દરવાજો ખખડાવવો પડે. ‘કોણ છે ?” એવું પુનીબા બોલે મહીંથી. ત્યારે કહું, ‘હું છું.’ ફરીવાર પૂછે, ‘કોણ છે ?’ ‘હું અંબાલાલ’ એવું કહું છું.
એમના ધણીનું નામ અંબાલાલ, તે શું કરે રોજ કે બહાર આમ આગળથી સાંકળ ખખડાવે ત્યારે પેલા અંદરથી પુનીબા કહે કે ‘કોણ આવ્યું છે ? કોણ છે ?’ ત્યારે એ કહે, ‘હું અંબાલાલ'. એટલે પછી હું એવા ચાળા પાડતો હતો. હુંય અંબાલાલને ! ત્યારે એ કહે, ‘આવ્યો રહ્યો અંબાલાલ મોટો ! તું તો મને મૂંઝાવામાં મૂકી દઉ છું ને ! તું અંબાલાલ બોલું એટલે પછી મને તો એમ મારા ધણી આવ્યા એવું લાગે ને !' પછી બાને કહે, “મને બહુ વહાલો છે, એટલે હું આનું નામ ‘ગલો’ પાડું.” ગલગોટા જેવો દેખાતો'તો, શરીર સારુંને બધું ત્યારે ! એટલે તે ‘ગલુ, ગલુ' કહેતા'તા. એટલે પછી મારું નામ ‘ગલો’ પાડેલું.
પ્રશ્નકર્તા : આપના બધા મિત્રો અમને કહે છે કે બહાર પેલા ગિલ્લીદંડા રમવા જઈએ. પછી પપૈયા તોડી લાવીએ અને ઘઉંમાં દાબી દઈએ, પછી ખઈએ.’ પછી કહે છે, ‘દાદા છે ને, આમ હાથ લાંબો કરેને, તો નાના ચાર-પાંચ છોકરાં કહે છે આમ લટકે ! એટલા બધા મજબૂત હતા, દાદા ગલકા જેવા હતા. એટલે ગલાકાકા કહેતા હતા.'