________________
[૫.૧] સંસ્કારી માતા
૧૧૫
મારા મધર છે માટે મને આમ થાય છે ? એટલે બીજી રીતે તપાસી જોયેલા. તે નિષ્પક્ષપાત ભાવથી ફરી તપાસ કરેલી. પણ બહુ સરસ બાઈ, બહુ સુંદર વિચારો ! તમે ગાળ ભાંડીને જાવ ને તરત જ તમે ફરી પાછા આવો તો બોલાવે. કરુણાવાળા, બહુ કરુણા, જબરજસ્ત કરુણા ! અને ઑબ્લાઈજિંગ નેચર નિરંતર ! એટલે હજુ આપણા હિન્દુસ્તાનના સંસ્કાર છે કંઈક. આપણે એવું છે ને, બીજી રીતે નાદારીમાં ગયા છે, પણ સંસ્કારમાં નાદાર નથી થયા.
ઝવેરબાતી પર્સનાલિટીની છાપ પડી દાદા પર
એ ઝવેરબા તો પર્સનાલિટીવાળા (વિશિષ્ટ વ્યક્તિત્વ) ! તે અમારી પોળમાંથી જ્યારે નીકળે, અમે જે મહોલ્લામાં જઈએ ને, તે સામેથી હું અને મધર બે આવતા હોય તો દરેક ઘરવાળા ઘરમાંથી બહાર નીકળીને તરત બાને ‘જય શ્રીકૃષ્ણ, જય શ્રીકૃષ્ણ” કહ્યા કરે. હું જોડે હોઉં તો ના સમજી જઉં, એમની આવી છાપ થાય છે તે ઘડીએ આ ?
અમારા અહીંથી વડોદરે સુધી જઈએ, તો હું જોડે હોઉને તો આખા ગામમાં બધાને જોયા જ કરું કે કેવી આ પર્સનાલિટી ! રાત્રે સાત વાગે બસમાંથી ઉતરીને ગયા હોય, તે અમારા ફળિયાની જોડેનું ફળિયું છે ને, તે ફળિયાએ રહીને અમારે જવું પડે ઘેર. તે બાની સાથે એક ફેરો ગયેલો હું. તે જોડેના ફળિયામાં પચાસ ઘર આ બાજુ ને પચાસ ઘર આ બાજુ, એવડું મોટું ફળિયું છે. તે વચ્ચે અમારે એ ફળિયામાં થઈને જવાનો રસ્તો હતો, તે ફળિયામાં જો પેઠા, તો ત્યાં દરેક ઘરમાંથી બહાર નીકળી નીકળીને કહે, ‘બા આવ્યા, બા આવ્યા.” દરેક સ્ત્રી ખાવાનું કરતી કરતી ‘ઝવેરબા આવી ગયા, બા આવ્યા, બા આવ્યા, બા આવ્યા” કરતા બહાર દોડી આવતી. નાની ખડકી તે દરેક ઘરથી બહાર આવે. બન્ને બાજુના ઘરોમાં દોડધામ દોડધામ થઈ ગઈ. તે પર્સનાલિટી એનું નામ કહેવાય ને ! તે આખું ફળિયું જ બહાર આવ્યું. તે આપણે ના સમજીએ કે આમણે શું પ્રાપ્તિ કરી છે ? સમજીએ કે ના સમજીએ ? શું પ્રાપ્તિ કરી હશે?
પ્રશ્નકર્તા : પ્રેમ મેળવ્યો ને !