________________
ગુણ-દોષો તેમ જ તેમની સાથે પોતે કેમ, શા માટે, કેવો વ્યવહાર કર્યો, તે બધી વિગતો પોતે જ્ઞાનદશામાં રહીને તે પ્રસંગને સૂક્ષ્મતાએ વર્ણવી શકે છે. પ્રકૃતિના પોઝિટિવ-નેગેટિવ, ગુણ-દોષોની વાતો તેમ જ તેના પ્રતિક્રમણ કેટલા પસ્તાવા સાથે, કેવી રીતે કર્યા તે બધું જાહેર કરે છે, જાણે પારકી વ્યક્તિની વાત કહેતા હોય તેમ નિષ્કપટપણે, નિખાલસતાથી કહી દે છે.
જગતમાં ગુરુ સંબંધી, ભગવાન સંબંધી, યમરાજ સંબંધી અનેક પ્રકારની અજ્ઞાન માન્યતાઓ નાનપણથી તે સંબંધી વિચારણા કરી ખલાસ કરી નાખી ને સાચી વાત પોતે સમજ્યા અને તે નિર્ભયતાથી ખુલ્લી કરી શક્યા ને સામાન્ય લોકોની ગેરસમજણો દૂર કરીને એમને નિર્ભય બનાવી શક્યા.
દાદાશ્રીએ પોતાના જીવન વ્યવહારની બધી જ ભૂલો મહાત્માઓ સામે કહી નાખી છે, જાણે પોતે આલોચના કરી પોતાની ભૂલોથી મુક્ત થઈ ગયા ! આવા મહાન પુરુષ પોતાની ભૂલો જાહેરમાં ખુલ્લી કરી નાખે, ક્યાંય “નો સિક્રેસી', એ હકીકત ખરેખર પ્રસંશનીય છે. તેઓએ શું ભૂલ કરી, કેવી રીતે ભૂલમાંથી બહાર નીકળ્યા અને ભૂલોથી કાયમ મુક્ત થયા, શું બોધ લીધો અને એ જાગૃતિ આખી જિંદગી હાજર રાખી, ફરી ક્યારેય રિપીટ થવા દીધી નથી. આમ સમજણપૂર્વકના પુરુષાર્થે પોતે ચોખા થઈ મોક્ષને લાયક થઈ ગયા.
અહીં દાદાશ્રી આપણને એ બોધ શિખવાડી જાય છે કે જીવનમાં પોતાની ભૂલો ઓળખો, એના ઉપર પસ્તાવા લઈ ભૂલોથી મુક્ત થાવ અને ભૂલો ખલાસ થઈ તો અહીં જ મોક્ષ વર્તાશે.
દાદાશ્રીના બાળપણમાં લોકસંજ્ઞા, સંગત અને પૂર્વકર્મના ઉદયે તીનપત્તી રમવાનો કે વીંટીની ચોરી કરવાનો એવા અમુક પ્રસંગો બન્યા પણ એ ઉદાહરણોને આપણે નેગેટીવ રીતે નથી લેવાના. દાદાશ્રી કહેતા કે જ્ઞાની કરે એ નથી કરવાનું પણ એ કહે એ કરવાનું છે. એટલે એમના જીવનમાં થયેલી ભૂલોનું આપણે અનુકરણ નથી કરવાનું, પણ એવી ભૂલો ના થાય એની જાગૃતિ રાખી કાયમ ભૂલ રહિત થવાનું છે, તો પછી મોક્ષમાર્ગ પૂરો થશે.
15