________________ છડી તૌ દાદાની જ પોકારીશ પાલિતાણામાં એક ડોળીવાળો રહે. તેનું નામ કરસન. યાત્રાળુઓને તે ખૂબ સારી રીતે યાત્રા કરાવે. યાત્રાળુઓને તે ક્યાંય કોઈ પણ રીતે પજવે નહીં. કરસનની વિશેષતા એ હતી કે તે શત્રુંજય પર આદીશ્વર દાદાના દરબારમાં દાદના નામની સુંદર છડી પોકારતો હતો. તેનો અવાજ મધુર અને બુલંદ હતો. તેથી તેની છડી સાંભળવી લોકોને ગમતી. વળી ઉપરના પરિસરમાં ચારે તરફ તેની છડી સંભળાતી. કરસનના મોઢે દાદાની છડી સાંભળીને લોકો ખુશ થઈ જતા. એક વાર એક રાજા શત્રુંજયની યાત્રાએ આવ્યો. તે દાદાના દરબારમાં પહોંચ્યો. તેણે કરસન વડે પોકારાતી છડી સાંભળી. તે ખુશ થયો. તેને વિચાર આવ્યો, “મારા રાજદરબારમાં આવી છડી પોકારનાર કોઈ નથી. જો આ કરસન મારા દરબારમાં મારા નામની છડી પોકારે તો ચારેતરફ મારી વાહવાહ થાય.' તેણે પોતાનો વિચાર કરસનને કહ્યો. કરસને ‘ના' પાડી. તેણે કહ્યું, “છડી તો દાદાની જ પોકારીશ, બીજા કોઈની નહીં. જીભ કચડીને મરી જઈશ પણ ત્રણ લોકના નાથ સિવાય કોઈની છડી આ જીભથી નહીં નીકળે.” રાજાએ કરસનને ધનથી લલચાવ્યો. કરસનની પરિસ્થિતિ સાવ સામાન્ય હતી. ડોળી ઊંચકવાની મજૂરી કરીને માંડ માંડ તેનું ગુજરાન ચાલતું હતું. તેને ધનની જરૂર હતી. છતાં તે ન લલચાયો. તેણે રાજાને “ના' પાડી. રાજાએ તેને અમુક ગામો આપવાની વાત કરી. લોકો કરસનને સમજાવવા લાગ્યા, “રાજાની વાત માની જા, તું કાયમ માટે સુખી થઈ જઈશ.' કરસન અડગ રહ્યો અને “ના' પાડી. છડી તો દાદાની જ પોકારીશ , ,,,,