________________ વિરલ વિભ્રતિભા અને મનુષ્યપ્રતિભા પણ આપ્યા છે, સુભાષિતો જેવી સામગ્રી આવી તો એના નમૂના ઉતાર્યા છે. ક્યાંક છંદો ને દેશીઓની યાદી આપી છે અને કૃતિઓની હસ્તપ્રતોની પુષ્યિકાઓ પણ વીગતે ઉતારી છે. ક્યારેક કૃતિઓની ગુણવત્તા વિશેની નોંધ મળે છે ને આ સામગ્રીમાંથી મળતી દેશીઓની લાંબી સૂચિ મોહનભાઈએ આપી છે તે જોતાં મોહનભાઈએ ઘણી કૃતિઓ વીગતે જોઈ છે એમ ફલિત થાય છે. વસ્તુતઃ આ કૃતિ મેં ઉતારી લીધી છે એવી નોંધ પણ કેટલેક સ્થાને મળે જ છે. કૃતિઓની સૂચિ કરતી વખતે એમાં આટલાબધા ઊંડા ઊતરવાનું કેમ બની શકે એ કોયડો જ છે. 1150 જેટલા કવિઓને, એમની 3000 જેટલી કૃતિઓને અને એ કૃતિઓની વિવિધ ભંડારોમાં રહેલી હસ્તપ્રતોની માહિતીને એકસાથે લાવી મૂકવી. એને સમયના ક્રમમાં ગોઠવવી એ કેવી ઝીણવટભરી ચુસ્ત કાર્યપદ્ધતિ માગે એ તો આવું કામ કરનાર જ સમજી શકે. " “જૈન ગૂર્જર કવિઓ' જૈન સાહિત્યની વિપુલતા અને વિવિધતાનું રોમાંચક દર્શન આપણને કરાવે છે અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું અર્પણ કેટલું મોટું અને મૂલ્યવાન છે તે સ્થાપી આપે છે. આ ઉપરાંત, એ ગ્રંથશ્રેણીએ મધ્યકાળના સાતસો વરસના સાહિત્યિક-સામાજિક ઈતિહાસની ગંજાવર સામગ્રી પોતામાં સંઘરેલી છે - એવી ગંજાવર કે બીજી સંશોધિત આવૃત્તિમાં આ સામગ્રીની વર્ણાનુક્રમણીઓ ને સાલવારી અનુક્રમણિકાનો 850 પાનાં સુધી વિસ્તરતો ગ્રંથ થયો ! | મોહનભાઈ માત્ર જૈન સાહિત્યસૂચિ આપીને અટક્યા નથી; એમણે જૈન ભંડારોમાં પ્રાપ્ત થયેલી જૈનેતર કૃતિઓની નોંધ પણ આપી છે. ઉપરાંત, એમણે કેટલીક પૂરક સામગ્રી પણ જોડી છે - જૂની ગુજરાતી ભાષાનો ઇતિહાસ (વસ્તુતઃ અપભ્રંશનો ઇતિહાસ), જૈન કથાનામકોશ, જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ, રાજાવલી, દેશીઓની સૂચિ વગેરે. શતકવાર કવિઓની કાવ્યપ્રસાદી આપવાની ઈચ્છા હતી (એ તૈયાર પણ થઈ હતી એમ જણાય છે) એ તો વણપૂરી જ રહી. બીજી પણ ઈચ્છાઓ એમના મનમાં ઊગી હશે જ પણ ત્રીજો ભાગ તો એમની લથડતી તબિયતે પૂરો થયો જણાય છે. એટલે ઘણું મનનું મનમાં રહ્યું હશે.