________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા નવા યુગનો પ્રાણ વહતી મિત્રમંડળી મુંબઈમાં એ વખતે “મમ્મા' પાર્ટી જાણીતી હતી. એ મમ્મા પાર્ટીના પાંચ મેમ્બર - મોતીચંદ ગિરધરલાલ કાપડિયા (સોલીસિટર), મોહનલાલ ઝવેરી (સોલીસિટર), મકનજી જૂઠાભાઈ (બેરિસ્ટર), મોહનલાલ દલીચંદ દેશાઈ (વકીલ) અને મોહનલાલ દીપચંદ ચોક્સી. આ લોકો જૈન સંસ્થાઓમાં સાથે મળીને કામ કરતા, પરસ્પર વિચારવિનિમય કરતા અને અનેક નવી યોજનાઓના પ્રેરક બનતા. કેટલીક વાર મકનજી જૂઠાભાઈ, મોહનલાલ દલીચંદ દેશાઈ અને ડૉ. નાનચંદ કસ્તુરચંદ મોદીની ત્રિપુટી પણ ધ્યાન ખેંચતી. એ વખતે આપણે ઉપર નિર્દેશ કર્યો તે જૈન સંસ્થાઓમાં ઓછેવત્તે અંશે નવા યુગનો પ્રાણ ફૂંકાયો હતો અને આ બધા મિત્રો એ નવા યુગના પ્રાણના વાહક બન્યા હતા. નવા યુગનો પ્રાણ વહતી છતાં આ જૈન સાંપ્રદાયિક સંસ્થાઓ હતી. મોહનભાઈ એની સાથે સંકળાયા, પણ એમની સહાનુભૂતિનો વિસ્તાર તો એથી ઘણો મોટો હતો. સાંપ્રદાયિક ચીલામાંથી બહાર નીકળી વિશાળ દૃષ્ટિની સમાજસેવા અને વિદ્યાસેવા કરનાર મુનિ જિનવિજયજી, પંડિત સુખલાલજી, નથુરામ પ્રેમી, પંડિત દરબારીલાલ વગેરેની સાથે મોહનભાઈને ઘરોબો હતો. એમની પ્રવૃત્તિઓમાં એ ઉત્સાહપૂર્વક રસ લેતા અને પોતાનાથી શક્ય એવી સઘળી મદદ કરતા. પ્રજાકીય ને રાષ્ટ્રીય જાહેરજીવન સાથે નાતો મોહનભાઈનો જાહેરજીવનનો રસ જૈન સમાજ પૂરતો મર્યાદિત ન હતો. કનૈયાલાલ મુનશીએ ૧૯૨૨માં સ્થાપેલી સાહિત્યસંસદના સ્થાપક સભ્યોમાંના એ એક હતા અને મુનશીએ સાહિત્યના ઇતિહાસની જે યોજના કરી તેના તંત્રીમંડળમાં પણ હતા. ૧૯૨૬માં મુંબઈમાં આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદ ભરાઈ ત્યારે એની કારોબારી સભા તથા સત્કારમંડળના તેમજ નિબંધ પરીક્ષક સમિતિના મોહનભાઈ સભ્ય હતા. આમેય મોહનભાઈ ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં શક્ય હોય ત્યાં સુધી અચૂક હાજર રહેતા તથા નિબંધવાચન કરતા. ૧૯૨૭ની અમદાવાદની પત્રકાર પરિષદમાં તથા ૧૯૨૯ની પાટણની પુસ્તકાલય પરિષદમાં મોહનભાઈએ હાજરી આપેલી.