________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા જયંત કોઠારી વિદ્વાનો તો ઘણા હોય છે, પરંતુ માણસ વિદ્વાન હોય તે સાથે કોઈ જીવનધ્યેયને વરેલો હોય, કર્મઠ હોય, ઘન અને કીર્તિ બન્ને પરત્વે નિઃસ્પૃહ હોય, નિરભિમાની, નમ્ર અને જિજ્ઞાસુ હોય, ધર્મ અને નીતિમાર્ગી હોય તથા દેશવત્સલ, સમાજસેવાભાવી અને મનુષ્યપ્રેમી હોય એવું જવલ્લે જ બની આવતું હોય છે. મોહનલાલ દલીચંદ દેશાઈ આવા એક વિરલ વિદ્વાન પુરુષ હતા. મોહનભાઈના “જૈન ગૂર્જર કવિઓ” અને “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” જેવા આકરગ્રન્થો આપણી સામે હોવા છતાં એમની વિદ્વત્યંતિભાને આપણે હજુ પૂરેપૂરી ઓળખી શક્યા છીએ એવું કહેવાય એમ નથી. આ પ્રકારનાં કામો કેવો અખંડ પરિશ્રમ, કેવું સર્વસંગ્રહાત્મક (એન્સાઈક્લોપીડિક) ચિત્ત, કેવી શાસ્ત્રબુદ્ધિ ને વ્યવસ્થાસૂઝ માગે એની આપણને કલ્પના નથી ને મોહનભાઈએ તો આ મહાસાગરો એકલે હાથે ખંધા-ખેડ્યા છે ! વળી, મોહનભાઈનાં બેચાર હજાર પાનાં થાય એટલાં લખાણો તો અગ્રંથસ્થ હોઈને આપણાથી ઓઝલ રહ્યાં છે. એમની મનુષ્ય પ્રતિભાની તો વાત જ ક્યાં કરવી ? એમના જીવનની અને વ્યક્તિત્વની અલ્પ-સ્વલ્પ રેખાઓ મેળવવા માટે પણ મથામણ કરવી પડે એવું છે. પણ ચાલો, થોડી મથામણ કરીએ અને આ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભાની ખરી ઓળખ મેળવવાની કોશિશ કરીએ. 1. વૃત્તાંત ગરીબ કુટુંબમાં જન્મ મોહનભાઈનો જન્મ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસર