________________ અંજલિ 123 અને ઉદ્દામ, મધ્યમ તેમજ જુનવાણી વિચારસરણી ધરાવનાર ભાઈબહેનો પણ કૉન્ફરન્સને અપનાવતાં રહ્યાં છે. જૈન સંઘના બંધારણમાં ચતુર્વિધ સંઘનું સ્થાન એકસરખું છે. ક્યારેક કોઈ વ્યક્તિ મુખ્ય ભાગ ભજવતી દેખાય યા સર્વોપરી મોવડી જેવી લાગે તોય તેના મૂળમાં ગુણ અને કાર્યશક્તિ રહેલાં હોય છે, નહીં કે પેઢીઉતાર સત્તાનો વારસો. આ જૈન સંઘનું સ્વરૂપ આજકાલની ભાષામાં કહીએ તો લોકશાહી છે, અલબત્ત તે એક ધર્મપરંપરા પૂરતી. કૉન્ફરન્સે પોતાનો કાર્યપ્રદેશ મુખ્યપણે ત્રણ બાબતોમાં મર્યાદિત કરેલો એમ હું સમજું છું : (1) ધાર્મિક, (2) સાહિત્યિક અને (3) સામાજિક, ધાર્મિક બાબતમાં તીર્થના પ્રશ્ન ઉપરાંત ઘર્માચાર અને તાત્ત્વિક શિક્ષણ વગેરેનો સમાસ થાય છે. બને ત્યાં લગી નવા જમાનાની માગણીને અનુકૂળ થાય એ રીતે કૉન્ફરન્સે સાધન ને શક્તિના પ્રમાણમાં એ બાબત કાંઈક ને કાંઈક કર્યું જ છે, અને હજીયે એ કાંઈક ને કાંઈક કરે જ છે. સાહિત્યની બાબતમાં એનું કામ વિશેષ ધ્યાન ખેંચે એવું છે, પ્રથમથી જ એણે પ્રાચીન સાહિત્યવારસાને પ્રકાશમાં લાવવાની નેમ રાખી છે અને એ દિશામાં યથાશક્તિ પણ નક્કર કામ કર્યું છે. સામાજિક બાબતમાં કૉન્ફરન્સે દેશમાં વિકસતા જતા ઉદાર વિચારોને ઝીલ્યા અને યથાશક્તિ પ્રચાર્યા પણ છે. કૉન્ફરન્સની ઉપર સૂચવેલી ભૂમિકામાં સદ્ગત મોહનભાઈનો શો સંબંધ હતો અને તેમણે શો-શો ફાળો આપ્યો, મુખ્યપણે એ જાણવું તે જ આજના પ્રસંગ સાથે વિશેષ સંગત છે. મુંબઈમાં સદ્ગત ડૉ.બાલાભાઈ નાણાવટીના પ્રમુખપણા નીચે અધિવેશન થયું ત્યારે હું પહેલવહેલો કોન્ફરન્સમાં આવેલો એમ યાદ છે. ઘણું કરી તે જ વખતે મોહનભાઈનો પ્રથમ પરિચય થયો અને તેમની રુચિ, પ્રવૃત્તિ તથા પ્રકૃતિ વિશે કાંઈક જાણવા પામ્યો. તે જ વખતે મારા મન ઉપર એમને વિશે જે સામાન્ય છાપ પડેલી તે જ છેવટ સુધી વધારે ને વધારે પ્રત્યક્ષ પરિચયથી સ્પષ્ટ થતી ગઈ. મેં જોયેલું કે તેમની પ્રકૃતિ જેમ હસમુખી તેમ આશાવાદી હતી. મેં એ પણ જોયું કે તે કાંઈક ને કાંઈક સારું કામ કરવાની ધગશવાળા અને જાતે જ કાંઈક કરી છૂટવાની વૃત્તિવાળા હતા અને એ પણ જોયેલું કે જ્યાંથી