________________ 292 મહષિ મેતારજ તેઓ ઉચ્ચનીચના ભેદ દૂર કરવા મથતા હતા. નીચી ગણાતી કોમેમાં જ્ઞાન, સંસ્કાર વેરવા એ ઠેર ઠેર ફરતા; અને સહુની સામે વિરૂપાનું દૃષ્ટાન્ત રજૂ કરતા. એમના પ્રયત્નના પરિણામે કેટલાંય ચાંડાલ-કુલ અગ્રગણ્ય થયાં હતા, ને ગૃહસ્થ તથા સાધુજીવનની ચરમસીમાને પણ પહોંચ્યાં હતાં. અને આ છતાં ય, રંગરાગ ને એશઆરામની આ દુનિયા વચ્ચે એ જાગતા હતા. તક શોધતા હતા. વાસનાનો તાગ લેતા હતા. એકવાર મેતારજ અડધી રાતે જાગી ગયા. પ્રિયતમાને હાથ એમની છાતી ઉપર પડી ગયેલો. એમાં સ્વપ્ન લાધ્યું. જાણે સંસારસાગરમાં બધા ય તરી ગયા છે, વિરૂપા તે સાગરને સામે કાંઠે ખડી છે; ને સાદ પાડી રહી છે. બધાયની ગતિ પ્રગતિ કરી રહી છે, પણ ન જાણે મેતારજ સાગરમાં પડતાં જ ડૂબકા મારવા માંડ્યા, અને એકવાર તો તળિયું પણ માપી આવ્યા. કેટલી ગભરામણ ! કેટલી મુંઝવણ! ઝબકીને જાગીને જુએ છે, તે ન મળે સાગર કે ન મળે પાણી. કદલીદલ જેવો પ્રિયતમાને હાથ છાતી ઉપર પડ્યો છે ! એમણે ધીરેથી એ હાથને અળગો કર્યો; છતાં ય સુવર્ણપિંજરની મેના એ હાથનાં રત્નકંકણનાં રવથી જાગી ગઈ ને ચીંચી કરવા લાગી. મેતાજ ફરીથી ઊંધવા પ્રયત્ન કરવા લાગ્યા, પણ ન ઊંઘી શક્યા. એ ઊભા થયા ને બહાર ઝરૂખામાં આવી ઊભા રહ્યા. રાત્રી નીરવ હતી. મેતારજનું મન તેફાને ચડ્યું. સામે પિંજરમાં મેના પાંખ ફડફડાવી રહી હતી. રાજમંદિરની આ મેના હતી. સુવર્ણ પિંજરમાં વસનારી હતી; છતાં એને ય અજંપ હતો ! મેતારજ ધીરેથી પાસે ગયા, પિંજર ઊઘાડી નાખ્યું. એમને ખબર હતી કે રાજકુંવરીને આ મેના પ્રાણસમ પ્રિય હતી.