________________ પરિશિષ્ટ-૨૨ (અષ્ટ મહાપ્રાતિહાર્ય વગેરેનાં ધ્યાનનાં ફળો તો સર્વોત્તમ છે જ, પરંતુ સ્વપ્નમાં જોવાએલાં આ અષ્ટ મહાપ્રાતિહાર્યો રાજ્ય પ્રાપ્તિ વગેરે ફળોને આપનારાં છે, એ આ કથામાં દર્શાવવામાં આવ્યું છે. ગોપાળ (દેવદત્ત)ને અષ્ટ મહાપ્રાતિહાર્ય સહિત શ્રી ઋષભદેવના સ્વપ્નમાં દર્શન થવાથી તે રાજ્ય વગેરે સુખોને પામ્યો.) શ્રી ભક્તામર સ્તોત્ર, પદ્ય-૩૧ની કથા સિંહપુર નગર ધનધાન્યથી સમૃદ્ધ હતું. તેમાં ગોપાળ નામનો એક ક્ષત્રિય વસતો હતો. તે સ્વભાવે ઘણો સરલ હતો અને નિર્ધનાવસ્થાને લીધે લોકોની ગાયો ચરાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક વખત તે ગામમાં પધારેલા જૈન મુનિનાં દર્શન કરવા ગયો. ત્યારે જૈન મુનિએ તેને “ધર્મલાભ' કહ્યો. ગોપાળે પોતાની ભદ્રિક પ્રકૃતિથી પૂછ્યું કે “મહારાજ !ધર્મલાભ એટલે શું ? તમે બધા ભક્તોને આ શબ્દ કેમ સંભળાવો છો ?' ત્યારે જૈન મુનિએ કહ્યું : “હે ભદ્ર!મનુષ્યને ધર્મનો લાભ થાય તો તે પોતાનું જીવન સર્વ રીતે સુખી બનાવી શકે, તેથી અમે લોકોને ‘ધર્મલાભ” થાઓ, એવો આશીર્વાદ આપીએ છીએ.” ગોપાળે કહ્યું : “તો ઘણું સારું. પરંતુ હું ધર્મ વિષે કંઈ જાણતો નથી, માટે કૃપા કરીને મને તેનું સ્વરૂપ સમજાવો.” એટલે મુનિએ તેને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું, તેમાં દઢ શ્રદ્ધા રાખવાનું કહ્યું, પંચપરમેષ્ઠી મંત્ર આપી તેનો રોજ જાપ કરવાનું જણાવ્યું અને તેનો નિત્યપાઠ કરવાનો નિયમ આપ્યો. ગોપાળ તે પ્રમાણે તેનો નિયમિત પાઠ કરવા લાગ્યો. હવે એક દિવસ રાત્રિએ તેને સ્વપ્ન આવ્યું. તેમાં તેને ત્રણ છત્ર આદિ પ્રાતિહાર્યોથી સહિત શ્રી ઋષભદેવ ભગવાનના દર્શન થયાં. આથી તેને ઘણો જ આનંદ થયો. તેણે પોતાની જાતને ધન્ય માની. સવારે તે ગાયો ચરાવવા ગયો, ત્યાં વરસાદથી ધોવાઈ ગયેલી જમીનની અંદર શ્રી ઋષભદેવ ભગવાનનું બિંબ જોયું, એટલે અત્યંત આનંદ પામી તેને ઉઠાવી લીધું અને નદી કિનારે એક ઝૂંપડી બાંધી તેમાં પધરાવ્યું. તે રોજ તેની સેવાભક્તિ કરવા લાગ્યો. એમ કરતાં છ મહિના વીતી ગયા, ત્યારે શ્રી ચક્રેશ્વરી દેવીએ પ્રસન્ન થઈને ગોપાળને રાજા થવાનું વરદાન આપ્યું અને તે અદૃશ્ય થઈ ગયાં. 1. આ કથા પં. શ્રી ધીરજલાલ ટોકરશી શાહ કૃત ભક્તામર રહસ્યમાંથી અહીં લેવામાં આવી છે. આ સંસ્કૃત પધ-૩૧મું અને તેનો અર્થ પૃ. 225 ઉપર આપવામાં આવેલ છે. અરિહંતના અતિશયો 273