________________ * તે માટે, અપોષણની પીડાથી હાડપિંજર બનેલા ભારતમાતાના બાળકોના મોઢામાં કોળીયાઓ નાંખવા પડે, * તે માટે, પાણીમાં લોટ નાખી દૂધ બનાવી બાળકને પાતી માતાઓની આંતરડી ઠારવી પડે. * તે માટે, નરપીશાચ માફીયાઓની જાળમાં ફસાતી આર્યનારીઓના શીલ-સૌંદર્યની રક્ષા કરવી પડે. * તે માટે, વ્યભિચાર અને દૂરાચારના માતેલા સાંઢને કાબુમાં રાખવા પડે. એક વાત યાદ રહે કે, પ્રજાની હાય-વ્હાય રાજાનું ધનોતપનોત કાઢી નાંખે છે. પ્રજાની પ્રસન્નતા રાજાને આબાદ કરી દે છે. પ્રજાની હારાકીરી રાજા માટે અભિશાપ છે. પ્રજાની સુખ શાંતિ રાજા માટે આશીર્વાદ છે. પૂર્વકાળના રાજા મહારાજાઓ રાત્રીની નિરવ શાંતિમાં વેશ પલ્ટો કરીને નગરચર્યા નિહાળવા નિકળતા, ગુણવેષે પ્રજાની સારી નરસી પરિસ્થિતિનો તાગ મેળવતા, બારી પાછળ સંતાઈ જતા, પ્રજાજનોના સંવાદો સાંભળી તેમના સુખ દુઃખમાં સહભાગી થતા. | દીન દુઃખીયાઓની અકળામણો સાંભળી તેમનું હૃદય દ્રવિત થઈ જતું. બીજે જ દિવસે આ દીન-દુઃખીયાને દરબારમાં બોલાવી તેમની તમામ મુશ્કેલીઓ દૂર કરવામાં આવતી. રાજા પ્રજા વચ્ચેનો કેવો પ્રેમપૂર્ણ સંબંધ કહેવાય ! પ્રજાના હૃદયમાં કાયમી સ્થાન અંકિત કરવા નોટ કે વોટના સંબંધો નહી ચાલે, પ્રેમ અને પરાર્થના સંબંધો જોઈએ. લાગવગ કે માંગણીઓના સેતુ નહી ચાલે, લાગણીઓના ભીના સંબંધો જોઈએ. પુત્ર ઉપર હોય એવા આત્મિય સ્નેહ તંતુઓના જોડાણ પ્રજા સાથે થવા જોઈએ. હૈયુ પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી થવું જોઈએ. રાજા અને રૈયત વચ્ચે પિતા-પુત્રનો ધરોબો બંધાય તો જ રાજ્ય આબાદ બને. પ્રજાની આબાદી જોઈ રાજાનો આનંદ હીલોળે ચઢે, અને આપત્તિ જોઇ હૃદય વ્યથીત થઈ જાય, તે જ સાચી આત્મિય કહેવાય. ...ર૧...