________________ સડાઓને દૂર કરી તેના આત્માને શુદ્ધ-બુદ્ધ કરવો. દોષો ગયા એટલે જીવન ગુણોના સૌંદર્યથી મધમધાયમાન થવાનું જ. પ્રકાશ થતા અંધકારને ગયે જ છુટકો છે. ગુણોનું આવાગમન થતા દોષોને ગયે જ છુટકો છે. | દોષોના સડાઓનું વિસર્જન થાય તો જ જીવનની સાર્થકતા કહી શકાય. સાધુ થયા પછી પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી ક્રોધાદિ દોષો પીછો ના છોડતા હોય તો જીવનભરના સાધુપણાની કિંમત કેટલી ? ઘરડા થયા પછી પણ ભોગવાસના જો છૂટતી ના હોય તો ધર્મસાધનાનો અર્થ શો ? ગુણો અર્જન કરવા અને દોષોને દફનાવવા એજ જીવનનું પરમ કર્તવ્ય છે. ધર્મ અને સદ્ગુરૂ જ આ કાર્યમાં પરમ સહાયક થઈ શકે છે, શરત એટલી છે કે તેમની પાસે જવું પડે, નિઃસંકોચપણે સતાવતા સડાઓનું કથન કરવું પડે, પછી તેમણે આપેલા પ્રાયશ્ચિતના રસાયણનું પાન કરવું પડે, દોષોના સડાઓ દૂર થતા આત્મા અલમસ્ત થઈ જશે, પરંપરાએ પેદા થનારા દુઃખોમાંથી સહજ મુક્તિ થઈ જશે, પણ, જો સડાઓને સલામત રાખ્યા, ગુરૂ આગળ કહેવામાં ક્ષોભ સંકોચ રાખ્યા, તો તે દોષો અનેક ગણા થઈ આત્મામાં એવા પ્રસરી જશે કે પછી ઓપરેશન કરવાનો પણ અર્થ નહીં રહે, અનંત મરણ માટે તૈયાર જ રહેવું પડશે. દોષોના ગંધાતા ઉકરડાઓને બહાર કાઢી આત્માના ઉદ્યાનમાં ગુણોના પુષ્પોને ખીલવવાના છે. તે માટે ધર્મગુરૂ સ્વરૂપ અનુભવી માળીનું શરણું સ્વીકારવાનું છે. બસ, પછી બધી માવજત કરવાની જવાબદારી તેમની જ રહેશે, આપણું કાર્ય એટલું જ કે મૌનપણે તેમને સંપૂર્ણ સમર્પિત રહેવાનું, તેમના દ્વારા કરાતી માવજતમાં આનાકાની નહીં કરવાની, સહર્ષ સ્વીકાર કરી સહાયક બનવાનું. આટલું જ થયું તો જીવનના અંતભાગ સુધીમાં આપણા દેદાર સંપૂર્ણ ફરી ગયા હશે એ એક નિઃસંદેહ વાત છે. અંતે તમૈ શ્રી ગુરવે નમઃ