________________ જવાબ એક જ આપી શકાય કે સાતમી નરક હોય કે સર્વાર્થસિદ્ધપણું હોય, સંસાર હોય કે મોક્ષ; આ બધું જ ક્રિયાને નિમિત્ત બનાવીને કે નિમિત્ત બનાવ્યા વિના જ્ઞાન કે અજ્ઞાન દ્વારા પેદા થતા મનના સંકલ્પ-વિકલ્પ, વિવેક, વિચારણા આદિના ફળરૂપ છે. તેથી મુખ્યત્વે જ્ઞાન જ પ્રધાન કારણ બને છે. ક્રિયા અને ભાવના જેમ જેમ જ્ઞાનનું વિશુદ્ધિકરણ કરે તેમ તેમ મોક્ષ નિકટ આવે. તે જ રીતે જો સ્વાધ્યાય જેવી વસ્તુ સાધુ કે શ્રાવકના જીવનમાં ન હોય, શાસ્ત્રસર્જન-અભ્યાસ ન હોય તો ક્રિયાઓ કોના આધારે ? એની શુદ્ધિ-વૃદ્ધિપોષણનું જ્ઞાન ક્યાંથી થાય ? યુગલિક કાળમાં વિશેષ ક્રિયાઓ નથી, માટે જ્ઞાનની જરૂર નથી. છઠ્ઠા આરામાં પણ પરાધીનતા અને વિશેષ ક્રિયા નથી, માટે વિશેષ જ્ઞાન નથી. નારક તિર્યંચમાં પણ એ અવસ્થા છે. પરંતુ કર્મભૂમિમાં ક્રિયાનું નિયંત્રણ-સંશોધન-સંમાર્જન-વિશિષ્ટકરણ વગેરે જ્ઞાન દ્વારા થાય છે. આજે ભણવાનું બંધ થાય તો જેમ લોકવ્યવહારમાં અંધેર થાય તેમ શાસન અને મોક્ષમાર્ગ પણ જ્ઞાન-વ્યવહાર વગર શૂન્ય થાય. માટે બધી ક્રિયાઓનો પ્રાણ જ્ઞાન છે. શાસ્ત્રમાં જેને 15 દિવસમાં અડધી ગાથા પણ ન આવડે તેને પણ રોજ 2500 નવકાર ગણવારૂપે પરાવર્તન નામનો સ્વાધ્યાય કહ્યો છે, પરંતુ અભ્યાસ વગર ફક્ત તપ કરવાનો કહ્યો નથી. અને તપ કરનાર સાથે સાથે અભ્યાસ કરે તો તે તપને સાનુબંધ કહ્યો છે. અભ્યાસના યોગ વગરના તપને નિરનુબંધ કહેલ છે. જ્ઞાન એ શ્રદ્ધાપોષક છે, ક્રિયાપોષક છે, ચારિત્રપોષક છે. તે બાહ્ય તપ અને શેષ અભ્યતર તપને પણ પુષ્ટ કરે છે. કેવળજ્ઞાન પણ શુભભાવનારૂપી જ્ઞાનથી થાય છે. વૈરાગ્ય પણ જ્ઞાનસ્વરૂપ છે. વૈયાવચ્ચ માટે પણ જ્ઞાન જોઇએ. સંસ્થા કે ગચ્છના સંચાલન માટે પણ જ્ઞાન જોઈએ. આમ આરાધનાના બધા જ યોગોને જ્ઞાન પોષે છે. શાસનપ્રભાવના માટે જરૂરી મંત્ર-તંત્ર-વાદીપરાજ્ય વગેરે માટે પણ તે તે શાસ્ત્રોનું જ્ઞાન જરૂરી છે. પ્રભુએ પોતાના જ્ઞાનથી કરેલા સંશય નિરાકરણથી 11 ગણધરો શાસનને પ્રાપ્ત થયા. ત્રિપદીથી ગણધરદેવો પણ દ્વાદશાંગી રચે છે. માટે જ્ઞાન પરોપકારક પણ છે. જે બાહ્ય તપ અત્યંતર તપનો પોષક બને તે સાનુબંધ; જે રોધક બને તે વ્યવહાર ધર્મ મોક્ષમાર્ગ ન બને. માટે શાસનમાં રહેલા સાધુ અને શ્રાવકને આચારજ્ઞાન, આશ્રવ-સંવરનું જ્ઞાન, નિર્જરાના ઉપાયોનું જ્ઞાન, બંધના કારણોનું જ્ઞાન-આ બધું સૂક્ષ્મરૂપે જરૂરી છે.