________________ મધુર-સંગત-મિતાક્ષરી વાણીનું કારણ : એ મુનિ આવા મધુર, સંગત અને મિતાક્ષરમાં બોલનારા કેમ હતા ? કારણ એ હતું, કે એ જિનવચનના વિશારદ હતા. અર્થાત જિનાગમના અને જિનાગમે કહેલા પદાર્થોના કુશળ જ્ઞાતા હતા. જિનાગમનું અને આગમોક્ત વસ્તુનું જ્ઞાતાપણું એક અલૌકિક ચીજ છે, આત્માનો મહાન ગુણ છે. આગમજ્ઞાન એ તો દીવો છે; જાણે નહિ તો પાળે શું ? એનાથી હેય અને ઉપાદેય, કાર્ય અને અકાર્ય, વાચ્ય અને અવાચ્ય, ભક્ષ્ય અને અભક્ષ્ય, કર્તવ્ય અને અકર્તવ્ય, આચાર અને અનાચાર, હિત ને અહિત... વગેરેનું ભાન થાય છે. ત્યારે જીવનમાં આ ભાનની આ પ્રકાશની પહેલી જરૂર છે; કેમકે એ હેય-ઉપાદેયનું ભાન જ ન હોય તો બિચારો પાળે શું? હેયનો ત્યાગ અને ઉપાદેયનો આદર શી રીતે કરી શકે ? જૈનેતરોમાં “કાચું પાણી એ અસંખ્ય અપૂકાય જીવોનું જૂથ છે, એમાં અસંખ્ય જીવો સમાયેલા છે, માટે એની હિંસા હેય છે, ત્યાજ્ય છે,” એવું એમને જો ભાન જ નથી, તો એ ઇતરો બિચારા કાચાપાણીનો આરંભ-સમારંભ ક્યાં છોડી શકે છે? જંગલમાં રહેનારો મોટો તાપસ પણ નદીએ જઈ પાણીથી હાથ પગ ધોઈ લે છે, ને એ પી પણ લે છે, એમાં એના મનને જરાય લાગતું નથી કે “હું જીવ-હિંસા કરી રહ્યો છું.” પ્ર.- એમ તો છેતરોમાં અસ્નાનનું વ્રત આવે છે ને ? ઉ.- એ આવે છે તે અપૂકાય જીવની વિરાધનાથી બચવા માટે નહીં, પણ સ્નાન એ કામનું અંગ છે, બ્રહ્મચર્યનું ઘાતક છે, અબ્રહ્મનું પોષક છે, માટે એના ત્યાગનું એટલે કે અસ્નાનનું વ્રત આવે છે. તાત્પર્ય કે, “આવા સૂક્ષ્મ પણ જીવની હિંસા ત્યાજ્ય છે એ જો ભાન જ ન હોય, તો હિંસાનો અર્થાત પાણી વગેરેના આરંભ સમારંભ વગેરેનો ત્યાગ ક્યાંથી કરી શકવાનો ? માટે જ, જિનાગમની બલિહારી છે કે એનાથી હેય-ઉપાદેય, હિત-અહિત...વગેરેનું ભાન થાય છે, આત્માને પ્રકાશ મળે છે. પેલા મુનિ જિનાગમનાં વિશારદ અર્થાત્ સારા જ્ઞાતા હતા, એમનાં દિલમાં આગમજ્ઞાન છલકાતું હતું, એટલે પછી એ જિનાગને દર્શાવ્યા મુજબ મધુર-સંગત અને મિતાક્ષરી જ વાણી કેમ ન બોલે ? કર્મ ! તારી ગતિ ન્યારી 309