________________ ન કરી. બાલ મુનિને એમ કે પછી સાંજના આલોચના કરશે. પ્રતિક્રમણના સમયે પાછું બાલ મુનિએ યાદ કરાવ્યું - ‘તપસ્વી મહારાજ! ઓલી દેડકી !! અને પેલા મુનિ ભગવંતને હવે ગુસ્સો આવ્યો. શું આ ક્યારના દેડકી દેડકી કરે રાખે છે ? એ દેડકી તો પહેલેથી મરેલી જ હતી. મારા પગ નીચે આવીને ક્યાં મરી ગઈ હતી? બાલ મુનિ દેડકી... દેડકી... ઘૂંટે જ રાખતા હતા. એમને ચૂપ કરવા માટે થોડું ચમચમ કરી દેવાની ભાવનાથી મહાત્મા બાલ મુનિની પાછળ દોડ્યા. બાલ મુનિને કંઈ ઢોર માર મારવાનો આશય નથી. પણ, વારંવાર બાલ મુનિ દેડકી... દેડકી યાદ કરાવે રાખે છે. એટલે એમને ચૂપ કરી દેવા માટે થોડો જ માર મારવાની ઈચ્છા છે. પોતાને કરેલી ટકોરે એમના પ્રત્યે ગુસ્સો પેદા કર્યો હતો. એના કારણે જ મહાત્મા બાલ મુનિને પકડવા બાલ મુનિ તરફ ધસ્યા. પણ, આ તો બાલ મુનિ ! એ કંઈ ગાંજ્યા જાય ? એ તો છટકીને ભાગ્યા. પેલા મહાત્મા પણ બમણા જોરથી બાલ મુનિને પકડવા તેમની પાછળ ભાગ્યા. તપસ્વી મહાત્મા હતા. શરીર આમેય કૃશ હતું. શરીરમાં તેવું કોઈ જોર તો હતું નહીં. અને એટલું દેખાતું ય ન હતું કે કાને તેવું સંભળાતું પણ ન હતું. આ તો બાલ મુનિ પોતાના હાથમાંથી છટકી ગયા એટલે એમના મગજ ઉપર ઝનૂન સવાર થયું. સ્વાભાવિક અનુભવની વાત છે - જ્યારે કોઈ નાનો છોકરડો હંફાવી જાય એટલે વધુ જોરથી આપણે તેને પકડવા દોડીએ. બાલ મુનિ ભારે ચપળ છે. એમ તો એ હાથમાં શું આવે ? પ્રતિક્રમણનો સમય હોવાથી અજવાળું પણ શમી ગયું હતું. આછું આછું અજવાળું જ ફેલાયેલું હતું. અને એમાં દોડવામાં કરેલી ભારે સ્પીડ, મગજ ઉપર સવાર થયેલ ભારે ઝનૂન, આટલી દોડધામથી શ્રમિત થયેલ શરીર, તથાવિધ અજવાળાનો અભાવ - આ બધા પરિબળોના પ્રતાપે એ મહાત્મા અચાનક જોરદાર રીતે ઉપાશ્રયના થાંભલા સાથે અથડાઈ પડ્યા. અથડામણ જોરદાર રીતે થઈ હતી.