________________ “મારું અઢળક પુણ્ય ખર્ચીને મારે ક્રોધના શેર ખરીદવા નથી.” કદાચ ક્રોધ કરવામાં એવું પુણ્ય પણ ખર્ચાઈ જાય કે જે પુણ્ય સીમંધર સ્વામીનો ભેટો કરાવનારું હોય. માટે, ક્રોધના શેરની ખરીદી માટે પુણ્ય ન ખરચવાનો દઢ નિશ્ચય કરી લેજો. ત્રીજી વાત હતી કે જે કંપનીના શેરનું ડિવિડન્ડ વધારેમાં વધારે હોય તેના શેર ખરીદાય. મોહરાજાની કંપનીના ક્રોધના શેર ખરીદીને ડિવિડન્ડ શું મળે? બી.પી., હાર્ટએટેક... કે બીજું કાંઈ ? અરે, ક્રોધ કરી કરીને માણસનું જીવતર તો ઝેર જેવું થાય જ છે. ઉપરાંતમાં દેહ પણ નર્યા ઝેરનો થઈ જાય છે. નાનકડું એ ગામ. પાણી માટે બહારથી ટેન્કર આવે. રોજ બધાંની ત્યાં લાઈન લાગે. બધાં બહેનો બેડાં લઈ-લઈને ગોઠવાઈ જાય. સામાન્યથી જેમ બનતું આવે છે તેમ લાઈનમાં આગળ ગોઠવાવા માટે ઝઘડા પણ થાય. વચ્ચે કોઈક ઘુસી જાય એટલે બોલાચાલી પણ થાય. એક સામાન્ય ઘરની બાઈ ક્યારની બેડું લઈ પોતાની લાઈનમાં ઊભી હતી. આગળની બહેનોને પાણી ભરતા-ભરતા ખાસી વાર થઈ ચૂકી હતી. માટે એ બહેન થોડા અકળાયા હતા. ઉનાળાનો તાપ હતો, ઘરે નાનકડા દીકરાને મૂકીને આવી હતી. એટલે સહેજે મગજનો પારો થોડો ઉપર હતો. ત્યાં એક બહેન કે જેની સાથે સખત અણબનાવ હતો, તે અચાનક વચ્ચે આવી ગયા. પેલા બેનની બરાબર આગળ આવી પોતાનું માટલું પાણી ભરવા મૂકી દીધું. પેલા બહેનનું મગજ ફાટ્યું. પેટ્રોલથી ભરેલા ગોડાઉનમાં જાણે દીવાસળી ચંપાઈ. રૂથી ભરાયેલા કોઠારમાં જાણે તણખો ઝર્યો. ગીચ વનરાજીથી લચેલા વનમાં જાણે આગની ઝાળ લાગી. અને ભડભડભડભડ દાવાનળ સળગી ઉઠ્યો. બહેન ગુસ્સામાં આવી ગયા, અત્યંત ક્રોધમાં આવી ગયા, ખુદ પોતાની જાત ઉપરનો કાબૂ ગુમાવી બેઠા અને ભયંકર ઝઘડો માંડી દીધો. 35