________________ જ અટકાવી દીધો હોત તો ઊંટ આખો અંદર ન આવી શકત. તેમ ક્રોધનો થોડો પગપેસારો થાય ત્યારે જ તેને અટકાવી દેવામાં આવે તો ક્રોધ જાણે તમારી પ્રકૃતિ થઈ જાય - એટલી હદે તમને હેરાન ન કરી શકે. ક્રોધની શરૂઆત પ્રાયઃ દોષદર્શનથી થાય છે. ક્રોધ તેના ઉપર, જ થઈ શકે કે જેના તમે દોષો જોતા હો ! જો કોઈના પણ દોષો જોવાનું બંધ કરી દો, દોષદર્શનનો જ ત્યાગ કરી દો તો ક્રોધ થાય તેવી કોઈ શક્યતા નથી. દોષદર્શન ક્રોધનું ઉદ્ગમબિંદુ છે. ત્યાંથી જ જો ક્રોધને અટકાવી દેવામાં આવે તો જ ક્રોધનો અટકાવ શક્ય છે. બાકી જેમ ઊંટ અંદર અને આરબ બહાર થઈ ગયો તેમ ક્રોધ અંદર અને ક્ષમા બહાર અથવા તમે શાસનની બહાર ! - આવી પરિસ્થિતિ સર્જાતા વાર નહીં લાગે. દોષદર્શન એટલી સહજતાથી કરતા હો છો કે “દોષદર્શન પાપ છે' - તેવો અહેસાસ જ થતો નથી. માટે, હવેથી સૂક્ષ્મ દૃષ્ટિએ તમામ પ્રકારના પરાયા દોષદર્શનને કાઢવાનો પ્રયત્ન કરવો જોઈશે. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે જે દોષ તમે બીજામાં જોશો, એ દોષ તમારામાં 10 ગણો થઈને આવશે. જે દોષ તમે બીજામાં જોતા હશો તે તમારામાં એવી રીતે ઘૂસી જશે કે તમે તેની કલ્પના પણ નહીં કરી શકો. બીજાના જે દોષની તમે ભરપેટ નિંદા કરતા હશો તે જ દોષ તમારા જીવનમાં પ્રાણની જેમ વણાઈ જશે. તમને તેની ખબર પણ નહીં પડે. ઉપદેશમાલાકાર આ વાત જણાવી રહ્યા છે - જે દોષ તમે જેટલા રસથી બીજામાં જોશો, તે તમારામાં તેના કરતાં પણ કંઈ ગણો વધારે થઈ ઘૂસી જશે. માટે, એક દૃઢ સંકલ્પ કરી દો કે મારે કોઈના પણ દોષો જોવા નથી. પરદોષદર્શનને “નો એન્ટ્રી' કહી દો. સંકલ્પપૂર્વકનું દઢ પ્રણિધાન કરશો અને તે પ્રણિધાનને સાકાર કરવા ઝીણવટપૂર્વક આત્મનિરીક્ષણ કરશો તો જ આ દોષને તમે કાઢી શકશો. કારણ કે આ દોષની જડ બહુ ઊંડી હોય છે. એ ઝટ પક્કડમાં નથી આવતી. જો ઉપરછલ્લી જ તેની સફાઈ કરશો તો એકાદ-બે દિવસ તમે પરદોષદર્શન નહીં કરો. 338