________________ પૈસા તમારા દુશ્મનને પણ આકર્ષી શકે છે. પણ, તમારો ધર્મ તમારા દોસ્તને, સગાને કે સગા દીકરાને પણ આકર્ષી શકતો નથી. જો સ્વભાવ ‘રોયલ બનાવ્યો હશે તો તમારો ધર્મ સહુને આકર્ષી શકશે. જો તમારો ધર્મ તમારા દીકરાને પણ આકર્ષી ન શકતો હોય તો ખાસ તપાસ કરી લેવા જેવી છે કે એમાં તમારો પિત્તળ સ્વભાવ તો કારણ નથી ને ? એટલી વાત તો પાકી ને કે જેણે તમારું કશું બગાડ્યું નથી તેની સાથે તમે પણ ન જ બગાડો ? તમારા ગુસ્સાનો ભોગ તે તો ન જ બને ? દલીલ :- હા... હા... ચોક્કસ ! નિરાકરણ :- એટલે દુકાનમાં આવેલ ઘરાક ઉપરનો ગુસ્સો ઘરે પત્ની ઉપર તો ન જ ઉતરે ને ? ઘરાકનો ગુસ્સો ઘરવાળી ઉપર. ઘરવાળી પોતાનો ગુસ્સો ઠાલવે દીકરા ઉપર. દીકરો ઠાલવે રમકડાં ઉપર... આ અનવસ્થા હવે તો ન જ સર્જાવી જોઈએ. ટૂંકમાં, મગજમાં સીઝન પોલિસીનું આ બોર્ડ એવી રીતે લગાડી દો કે ર૪ કલાક એ તમારી નજરમાં, તમારા ધ્યાનમાં જ રહે - “આ સીઝન ક્ષમાની કમાણી કરવા માટેની છે, ગુસ્સો કરવાની નહીં.” આટલું પણ વાક્ય ગુસ્સાને કંટ્રોલમાં રાખવા ખૂબ કામયાબ નીવડશે. સર્વશ્રેષ્ઠ શૂરવીર કદાપિ ક્રોધ કરે નહીં.. ક્રોધ કાયરોનું કાર્ય છે... - લાઓઝી.