________________ તે લોકોની આ પ્રતિજ્ઞા સાંભળી ઘણાને ટીખળ કરવાનું મન થયું. એક ભાઈ જેવા વ્યાખ્યાન હોલની બહાર આવ્યા કે કસોટી શરૂ થઈ. વ્યાખ્યાન હોલમાંથી બહાર નીકળતા જ ચપ્પલ ગાયબ થઈ ગયા. ચપ્પલ ચોરનારને આશા હતી કે કદાચ ચપ્પલ ચોરાવાને કારણે ચપ્પલ ચોરનાર ઉપર ગુસ્સો કરે તો મને રૂા.૧૦૦ મળી જાય. પરંતુ પ્રતિજ્ઞા તાજી જ હતી. એટલે મન ઉપર કાબૂ રાખી શક્યા. દેરાસરમાં પૂજારીને પણ સમાચાર મળી ગયા હતા કે “જો આ ભાઈ ગુસ્સે થશે તો રૂ. 100 ની બક્ષીસ મળશે.' તેણે પણ તૈયારી કરી રાખી હતી. કેસરની વાટકી ગાયબ થઈ ગઈ, કળશ ગાયબ થઈ ગયા. થઈ શકે તેટલી રીતે છૂપા છૂપા હેરાન કરવાના પ્રયત્નો પૂજારીએ કર્યા. પણ, એ ગુસ્સે થયા નહીં. પૂજારીની કારી ફાવી નહીં. ઘરે આજે પત્નીએ પણ પરીક્ષા કરવાનું નક્કી કરી રાખ્યું હતું. રસોઈ આજે સાવ જ બેકાર બનાવી હતી. તેમનું અણગમતું શાક જ આજે બન્યું હતું. મનમાં થોડી ઉદ્વિગ્નતા આવી. છતાં વચનમાં ગુસ્સો પ્રગટ ન કર્યો. થોડું ઘણું જમી નીકળી ગયા. દુકાનમાં તો શાંતિથી સમય પસાર થઈ ગયો. સાંજે ચોવિહાર કરવા ઘરે આવ્યા. પત્નીએ એક જુદા જ પ્રકારની પરીક્ષા કરવાનું નક્કી કર્યું હતું. ( દીકરો પણ પરિણામ જોવા આતુર હતો. આખો દિવસ તો ગુસ્સા ઉપર કાબૂ રાખી શક્યા હતા. સાંજે ઘરે આવ્યા ત્યારે ઢોંસા -ચટણી બનાવ્યા હતા. પોતાની ભાવતી આઈટમ ! બપોરની ભૂખ પણ લાગી હતી. માનસિક થોડી ઘણી રાહત થઈ. ઢોંસા જમવા બેઠા. પણ, ચટણીમાં બિલકુલ મીઠું જ ન હતું નાખ્યું. ચટણી વિના તો ઢોસા વાપરવાની મઝા જ મારી જતી હતી. અને એ ગુસ્સામાં આવી બોલી ઉઠ્યા, “રસોઈ બનાવતા આવડે છે કે નહિ ? આ ચટણીમાં મીઠાનો એક છાંટો ય નથી.” ત્યાં જ દીકરો બોલી ઉઠ્યો - “પપ્પા રૂ.૧૦૦ ની ચટણી થઈ ગઈ !' ગુસ્સાને કાબૂમાં લેવા માટે પૈસાનો દંડ ખૂબ કારગત નીવડશે. 256