________________ || णमो त्थु णं खमासमणस्स भगवओ महावीरस्स / / અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા જિનશાસનને પ્રાપ્ત કરી સૌથી મુખ્ય અને અગ્રિમ કર્તવ્ય આપણા સૌનું એક જ છે - પાપનો પરિત્યાગ, કર્મની હકાલપટ્ટી. અનાદિકાળથી જીવ સંસારમાં ભટકે છે, તેના મૂળમાં પણ કર્મ જ છે. આ કર્મને આવવાના દરવાજા તો ઘણા છે. તેમાં સૌથી કાતિલ, આપણા સહુના જીવનની નબળી કડી હોય તો તે છે - ક્રોધ. આ કાતિલ ક્રોધે તો કોણ જાણે કેટલાયને મા-બાપથી છૂટા કર્યા છે, કેટ-કેટલાય ભાઈ-ભાઈ વચ્ચે તિરાડ પેદા કરી છે, જીગરજાન મિત્રોને દુશ્મન બનાવ્યા છે. જો આ ક્રોધને દૂર કરવો હોય તો સૌ પ્રથમ શાંત થાઓ. શાંત થનારો માણસ સ્વયં સંત બની જાય છે અને પોતાની નજીક આવનારા માટે મહેકતી વસંતનું નિર્માણ કરે છે. જે બને શાંત તે બને સ્વ માટે સંત, પર માટે વસંત. સહુ સમજીએ છીએ કે - ક્રોધ કાઢવો અનિવાર્ય છે. પણ જ્યારે કોઈ અપશબ્દો સંભળાવી જાય, દસ-બારની વચ્ચે અપમાન કરી જાય, અભિમાન ઘવાઈ જાય ત્યારે આ ક્રોધને કાબૂમાં રાખવો ભલભલાને કઠિન પડે છે. માટે જ આ ક્રોધને કાબૂમાં લેવાની અને અંતે નામશેષ કરી નાંખવા માટેની અનેક પોલિસીઓ ઉપર આપણે વિચાર કરવો છે. દેશના વ્યવસ્થિત વ્યવહાર માટે જો પોલિસીઓ અનિવાર્ય છે તો આત્માના આધ્યાત્મિક ઉત્થાન માટે, ક્રોધની હકાલપટ્ટી માટે પણ પોલિસીઓ અનિવાર્ય છે. હેલ્થકેર પોલિસી કે વેલ્થકેર પોલિસી ઘણી અજમાવી. અહીં આપણે ક્રોધને જીતવા માટેની સ્પીરીચ્યુંઅલ કેર પોલિસીઓ અંગે વિચારવું છે. જો આમાંથી એકને પણ આત્મસાત્ કરવામાં આવશે તો અવશ્ય ક્રોધ ઉપર નિગ્રહ કરી શકાશે. 0.