________________ જાય છે. જો સામે ગુસ્સો કરી બેઠા તો તમારી સજા પણ કર્મસત્તા મુકરર કરી નાંખે છે. દુઃખની વાત એ છે કે ક્રોધથી આંધળો થયેલ માણસ આ વિવેકબુદ્ધિ ગુમાવી બેસે છે. સારા-નરસાનું કોઈ ભાન તેને રહેતું નથી. સર્વનાશ વહોરીને એ ક્રોધાંધ માણસ ખુવાર થઈ જાય છે. દુર્યોધનને આના જ્વલંત ઉદાહરણ તરીકે રજૂ કરી શકીએ. કૌરવો અને પાંડવોના યુદ્ધની વાત જ્યારે ચાલી રહી હતી ત્યારે આ મહાસંહારને રોકવા કૃષ્ણ મહારાજ સ્વયં વિષ્ટિકાર બની દુર્યોધનની પાસે આવે છે. જાત જાતના પ્રસ્તાવ મૂકી સંધિ કરવા તૈયાર થાય છે. પણ, દુર્યોધન સહેજ પણ મચક આપવા તૈયાર થતો નથી. આખરે કૃષ્ણ મહારાજાએ છેલ્લામાં છેલ્લી વાત કરી - હસ્તિનાપુરની રાજગાદી તને સોંપી. પણ, પાંડવો માટે ફક્ત પાંચ ગામ તું આપી દે. બાકી આખું હસ્તિનાપુર તારું !" આટલી હદ સુધી કૃષ્ણ મહારાજા પાંડવો વતી નીચે ઉતર્યા. છતાં દુર્યોધન ક્રોધાંધ બની ચૂકેલ છે. ભાવીના અવશ્યભાવી સર્વનાશને દેખતો નથી. અને ભરસભામાં ત્રાડ નાખે છે - “પાંડવોને સોયના ટોચકાના ભાગ જેટલી પણ જમીન આપવાની મારી કોઈ તૈયારી નથી.” ક્રોધાંધ બનીને ઉચ્ચારેલી આ વાણી આખરે દુર્યોધન સહિત સમગ્ર કૌરવકુળનો સર્વનાશ નોતરી લાવી. સોયના ટોચકા જેટલી પણ ભૂમિ ન આપવાની ઈચ્છા ધરાવનારા દુર્યોધને પોતાના માથા સહિત આખે આખી હસ્તિનાપુરની ગાદી સોંપી દીધી. કેવી મૂર્ખતા ! ક્રોધાંધતાનો કેવો વરવો વિપાક !? કહી શકીએ આપણે કે - ઘૂવડ દિવસે ન જુવે, કાગડો રાત્રે ન જુવે. આ ક્રોધાંધ માણસ તો એવો છે કે એ ન તો દિવસે જોઈ શકે છે કે ન તો રાતે જોઈ શકે છે. કામાંધ અને ક્રોધાંધ માણસ આખરે બહાવરો થઈ દિમૂઢની જેમ સર્વસ્વ લૂંટાવી દે છે. આ જ અનુસંધાનમાં સંસ્કૃતનો એક શ્લોક આપણે ટાંકી શકીએ કે - दिवा पश्यति घूको न, काको नक्तं न पश्यति / अपूर्वः कोऽपि क्रोधान्धः, दिवानक्तं न पश्यति // ક્રોધાંધ બનીને સર્વનાશ વહોરવા કરતાં ક્રોધ ઉપર કાબૂ મેળવો. 120