________________ શબ્દો, મેં કરેલો આક્રોશ સામેવાળાને કેવો કારમો ઘા લગાવે છે ? - તેની વિચારણા માટે કદી તેણે તસ્દી જ લીધી ન હતી. પોતે ગુસ્સામાં કેવી ભયાનક થઈ ઊઠે છે ? તે પણ તેને ખ્યાલમાં જ ન હતું. તેને તો આવી ઘટનાઓ બહુ સામાન્ય લાગતી. હા ! તેને પોતાના રૂપનું બહુ ભારે અભિમાન હતું. એક વાર તેણે પોતાના ચિત્રો દોરાવવા માટે એક ચિત્રકારને બોલાવ્યો. પોતાના ચિત્રો દોરવા જણાવ્યું. ચિત્રકાર રાજકુમારીના સ્વભાવને બહુ સારી રીતે જાણતો હતો. માટે, પોતાની જો સહેજ પણ ભૂલ થાય તો આ રાજકુમારી પોતાની હાલત બગાડી નાખે તે વાત નક્કી હતી. જો કે તેને પોતાની ચિત્રકળા ઉપર વિશ્વાસ હતો. આ બહાને રાજકુમારીને સુધારવા માટેનો એક કીમિયો લડાવવાનું ચિત્રકારે નક્કી કર્યું હતું. આથી એણે રાજકુમારીનું આમંત્રણ સ્વીકારી લીધું. રોજ આવી વ્યવસ્થિત તૈયાર થઈને બેસેલ રાજકુમારીનું ચિત્ર દોરવાનું શરૂ કર્યું. આમ કરતા કરતા અલગ અલગ પોઝમાં અનેક ચિત્રો રાજકુમારીએ તૈયાર કરાવડાવ્યા. ચિત્રકાર સાથે સાથે એક બીજું પણ ચિત્ર તૈયાર કરતો હતો. આખરે બધાં ચિત્રો પૂરા થઈ ગયા. બીજે દિવસે ચિત્રકાર બધાં ચિત્રો લઈ રાજકુમારી પાસે હાજર થયો. રાજકુમારીને પોતાના ચિત્રો જોવાની ભારે ઉત્કંઠા હતી. અધીરી થઈને એ બેઠી હતી. ચિત્રો લઈને ચિત્રકાર જેવો આવ્યો કે રાજકુમારીએ ચિત્રોની માંગણી કરી. ચિત્રકારે બે હાથ જોડી રાજકુમારીને વાત કરી - “રાજકુમારીજી ! ચિત્રો તો તૈયાર છે. એમાં મેં ખાસ મારા તરફથી આપનું એક ચિત્ર તૈયાર કર્યું છે. જો આપ અભયદાન આપતા હો તો એ ચિત્ર હું દેખાડું.” રાજકુમારીને ચિત્રો જોવાની સખત ઉત્કંઠા હતી. માટે, તરત જ તેણે ચિત્રકારને અભય આપ્યું. ચિત્રકારે ચિત્ર બહાર કાઢ્યું. ચિત્ર ઉપર કપડું ઢાંક્યું હતું.. ચિત્રકારે “રાજકુમારીજી ! દિવસનો મોટો ભાગ આપ જે પોઝમાં હો છો તે પોઝ આ ચિત્રમાં મેં આલેખ્યો છે. મારી ભૂલ થાય તો ક્ષમા કરશો' - આટલું કહી તરત જ ચિત્ર ઉપરનો પડદો દૂર કરી દીધો. 98