________________ દા.ત. શરીર બગડ્યું તો તેને સુધારવાની ચિંતા થાય છે. પણ આત્માને સુધરવાની ચિંતા ગઈ. તેથી આત્મા પણ બગડ્યો. તેનું ચિત્ત સતત એમાં જ રહેશે, કેમ થયું? હવે શું કરું? કેમ કરૂં? કયારે જશે? આ જ ચિંતામાં આત્મા બગડતો જ જાય છે. સનતુ ચક્રવર્તીને શરીર બગડ્યું તો એક ક્ષણમાં નિર્ણય કરી લીધો કે એને આટલું સાચવ્યું તો પણ બગડ્યું. તો એ બગડવાના સ્વભાવવાળો જ છે એટલે એને સુધારવાની ચિંતા ન કરી -પણ આત્મા ન બગડે તેની ચિંતા કરી. શરીર જશે તો બીજું આવશે પણ આત્મા બગડશે તો ઉપાધિ મોટી થશે. બહારનું બીજા બગાડી શકે પણ અંદરનું બગાડવાની તાકાત કોઈનામાં નથી. પણ બહારનું બગડ્યું તેને આપણે આપણું બગડ્યું જાણ્યું તેથી આત્મા બગડ્યો. 700 વર્ષ રોગોને સહન કર્યા - ઉપચારો ન કર્યા પણ આત્માને સુધાર્યો. સનત્ ચક્રવર્તીએ સઘળી ઋદ્ધિઓ ત્યાગી, સંયમની મોજ માણી અને તે મોજ, સંયમમાં તાદાભ્યતા. તેને કારણે લબ્ધિઓ પ્રગટી પણ તે લબ્ધિઓનો પણ યોગીએ ઉપયોગ ન કર્યો. આમ સનત્કુમારે રોગો સામું ન જોયું. આત્માના ગુણોમાં તાદાભ્ય ભાવે રમતા થઈ ગયા તેથી મને આટલા રોગો છે તે પણ ભૂલી ગયા - લબ્ધિઓ પ્રગટ થઈ જગત પર ઉપકાર કરી આયુષ્ય પૂર્ણ થયે તે દેવભવને વર્યા. આમ જેને શરીર અને આત્મા ભિન્ન છે એવું ભેદજ્ઞાન થઈ ગયું છે તેવા આત્માઓ હવે અંદરનું જ સુધારવામાં લાગી જાય. અંદરનું સુધરી જાય તો કામ થઈ જાય. ગજસુકુમાલે આ જ કામ કર્યું. માથામાં ખેરનાં અંગારા ભર્યા છતાં બળે છે એ મારું નથી અને મારું છે જે એ કદાપિ બળે નહીં તે ભાવનામાં રમતાં કેવળજ્ઞાન રૂપ શ્રી-લક્ષ્મી ને વર્યા. આમ બાહ્યથી સુધરે કે બગડે તો પણ ઉપાધિ જ છે. પણ આંતર-જગત રૂપ આત્માને સુધારતાં બાહ્ય અને આંતર બધું જ સુધરી જાય છે. જ્ઞાનસાર // 313