________________ પુસ્તક પરિચય આ પુસ્તકની ગૂંથણી ત્રણ વિભાગમાં થઈ છે. પ્રથમ વિભાગમાં ધર્મના સામાન્ય સ્વરૂપની ચર્ચા ઉપરાંત વિવિધ અધ્યયન પદ્ધતિઓની તથા તુલનાત્મક અધ્યયનના વિવિધ દષ્ટિબિંદુઓની વૈજ્ઞાનિક રીતે છણાવટ કરી ધર્મના તુલનાત્મક અભ્યાસીઓનું વલણ કેવું હોવું જોઈએ, તેની ચર્ચા કરી છે. ધાર્મિક સત્ય તથા અતિહાસિક દૃષ્ટિએ ધર્મના બદલાતાં સ્વરૂપની રજૂઆત કરવામાં આવી છે. બીજા વિભાગમાં જગતના પ્રવર્તમાન અગિયાર ધર્મોની તુલનાત્મક રૂપરેખા આપવામાં આવી છે. પ્રત્યેક ધર્મમાં કયા વિષયોની રજૂઆત થઈ છે તેને તેમ જ એક ગતિશીલ બળ તરીકે જે તે ધર્મનો કેવો અને કેટલે વિકાસ થયો છે અને અન્ય ધર્મોને અનુલક્ષીને વિચાર કરવામાં આવ્યો છે. ત્રીજા વિભાગમાં ધર્મ સંસ્થાપક વિશે, ધર્મનાં સંગઠક બળા વિશે તેમ જ ધર્મનાં સ્થાપના સમય અને સ્થાન વિશેની ચર્ચા ઉપરાંત ધર્મોમાં ઉપદેશાવેલ ધર્મબોધ વિષય તુલના તથા ધર્મયુગલ તુલના પણ આ વિભાગમાં હાથ ધરાઈ છે. પ્રવર્તમાન ધર્મોની વિશિષ્ટતાઓને અનુલક્ષીને, સામ્યવાદને પણ ધર્મ તરીકે ઠેરવી, ધર્મના ભાવિ વિશેનો ખ્યાલ અપાયો છે. વિવિધ વિદ્યાશાખાના તજજ્ઞોના સહકારયુક્ત વિચાર વિનિમયના પરિપાક જેવાં પંદર પરિશિષ્ટો પુસ્તકના ઉપયોગમાં સહાયરૂપ થવા ઉપરાંત એના મૂલ્યમાં અનેકગણો વધારો કરે છે. આ વિષયક્ષેત્રમાં વધુ ખેડાણ કરવા ઈચ્છતા જિજ્ઞાસુ અભ્યાસીને આ પુસ્તકમાંથી અનેક ક્ષેત્રો મળશે.