________________ હિન્દુ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતો 55 દૃષ્ટિએ સ્વતંત્ર રીતે કરેલાં કર્મોના પરિણામરૂપે જ જીવાત્મા અમુક પ્રકારનું શરીર, અમુક પ્રકારનું વાતાવરણ અને સુખદુઃખના અમુક પ્રકારના અનુભવો અને અમુક પ્રકારનું નૈતિક ચારિત્ર્ય પ્રાપ્ત કરે છે. જીવાત્માના શારીરિક, માનસિક અને નૈતિક સ્વરૂપને ઘડનારાં સ્વતંત્ર કર્મો 1. કાયિક, 2. વાચિક અને 3. માનસિક-એ ત્રણ પ્રકારનાં હોઈ શકે છે. માણસ સ્થૂળ શરીરથી જેવી પ્રવૃત્તિઓ કરે, મુખથી જેવી વાણી ઉચ્ચારે અને મનથી જેવા વિચારો અને યોજનાઓ કરે તે પ્રકારનું નૈતિક ભાથું તેની પાસે એકઠું થાય છે. બીજી રીતે કહીએ તો, સારાં કર્મો વડે જીવાત્મા પુણ્ય કમાય છે. અને ખરાબ કર્મો વડે પાપ. તેનાં પુણ્ય અને પાપના સુયોગ્ય ફળરૂપે તેને અમુક પ્રકારનું શરીર અને અમુક પ્રકારના સુખદુઃખના માનસિક અનુભવ જ નહિ, પણ અમુક પ્રકારનું નૈતિક ચારિત્ર્ય પણ પ્રાપ્ત થાય છે. જીવાત્માના નૈતિક ચારિત્ર્યને 1. સાત્ત્વિક, 2. રાજસિક અને 3. તામસિકએ ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવે છે. જે વ્યક્તિના ચારિત્ર્યમાં સત્ત્વગુણનું પ્રાધાન્ય હોય તેનું ચારિત્ર્ય સાત્ત્વિક કહેવાય છે. સાત્ત્વિક પ્રકૃતિવાળા માણસમાં નૈતિક રાગદ્વેષની મુક્ત એવાં જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય સ્વભાવરૂપે રહેલાં હોય છે. ગીતાના શબ્દોમાં : “નિઃસંગી, નિરહંકારી, ધૃતિ-ઉત્સાહથી ભર્યો, યશાયશે નિર્વિકાર, કર્તા સાત્ત્વિક તે કહ્યો”૨૨ જે વ્યક્તિના ચારિત્ર્યમાં રજોગુણનું પ્રાધાન્ય હોય તેનું ચારિત્ર્ય રાજસિક કહેવાય છે. રાજસિક પ્રકૃતિવાળા માણસમાં રાગદ્વેષથી પ્રેરાયેલી અનેક પ્રકારની આકાંક્ષાઓ સેવવાનું અને તેને લગતી પ્રવૃત્તિઓમાં પડવાનું વલણ સ્વભાવરૂપે રહેલું હોય છે. “રાગી, ને ફળનો વાંછુ, લોભી, અસ્વચ્છ, હિંસક, હર્ષશોક છવાયેલો, કર્તા રાજસ તે કહ્યો.”૨૩ જે વ્યક્તિના ચારિત્ર્યમાં તમોગુણનું પ્રાધાન્ય હોય તેનું ચારિત્ર્ય તામસિક કહેવાય છે. તામસિક પ્રકૃતિવાળા માણસમાં મિથ્યાભિમાન, કપટીપણું, આળસ અને શોક જેવા ગુણો સ્વભાવરૂપે રહેલા હોય છે. ગીતાના શબ્દોમાં : અયોગી, ક્ષુદ્ર, ગર્વિષ્ઠ, અકર્મી, શઠ, આળસુ, શોગિયો, દીર્ઘસૂત્રી જે કર્તા તામસ તે કહ્યો.૨૪ માણસના નૈતિક ચારિત્ર્યના ઉપર્યુક્ત ત્રણ પ્રકારના અનુસંધાનમાં એ મુદ્દો ખાસ નોંધપાત્ર છે કે, સાત્ત્વિક, રાજસિક અને તામસિક પ્રકૃતિ આખરે તો માણસે સ્વતંત્ર રીતે કરેલાં કાયિક, વાચિક અને માનસિક કર્મના પરિણામરૂપ છે, અને તેથી પોતાના ભૂતકાળનાં કર્મોથી જેની પ્રકૃતિ તામસિક બનેલી છે તે માણસ પણ ધારે