________________ પર જગતના વિદ્યમાન ધર્મો નમન કરવા ને પૂજવા તૈયાર રહે છે. તે માને છે કે ઈશ્વરે જેમ ઈસરૂપે અને બુદ્ધરૂપે અવતાર લીધેલા, તેમ તે ગમે તે માણસને રૂપે અવતાર લે એ સંભવિત છે.”૧૩ ગીતાકાર કહે છે કે આ જગતના તમામ નાશવંત પદાર્થો (ક્ષર) અને અમર આત્માઓ (અક્ષર)માં પરમાત્મા વ્યાપેલો હોવા છતાં તે તેમનાથી સંપૂર્ણપણે પર અને નિરાળો છે અને તેથી જ તે પુરુષોત્તમ કહેવાય છે. કાં જે હું ક્ષરથી પાર, અક્ષરથીય ઉત્તમ તેથી હું લોક ને વેદ વર્ણાયો પુરુષોત્તમ.”૧૪ ગીતામાં પરમાત્માના પર કે નિર્ગુણ સ્વરૂપને પુરુષોત્તમને નામે વર્ણવવામાં આવ્યું છે, જ્યારે ઉપનિષદોમાં એને નિર્ગુણ બ્રહ્મને નામે ઓળખવામાં આવ્યું છે. નિર્ગુણ બ્રહ્મનું સ્વરૂપ આપણા લૌકિક અનુભવોથી એટલું બધું નિરાળું, અલૌકિક અને દિવ્ય છે કે ઉપનિષદોના મત પ્રમાણે તેનું વર્ણન આપણી વાણી કે વિચારો વડે થઈ શતું નથી. કેન ઉપનિષદમાં લખ્યું છે કે બ્રહ્મ તે છે કે “જે વાણી વડે વર્ણવી શકાતું નથી પણ જેને લઈને વાણી દ્વારા વર્ણન શક્ય બને છે, જે મન વડે વિચારી શકાતું નથી પણ જેના વડે મન વિચારી શકે છે.”૧૫ આમ, નિર્ગુણ બ્રહ્મ મન અને વાણીથી નહિ પણ સાક્ષાત્કારથી જ જાણી શકાય છે. કઠ ઉપનિષદમાં યમ અને નચિકેતાના સંવાદ દ્વારા એમ સ્પષ્ટ કરવામાં આવ્યું કે “એ પરમાત્માનો સાક્ષાત્કાર (પ્રત્યક્ષ અનુભવ) મન, ઇન્દ્રિયો વગેરે વશ કરીને, સદાચારથી ચાલીને, એનો અનુગ્રહ પ્રાપ્ત કરીને એનું યથાર્થ (સત્ય) જ્ઞાન મેળવીને, થઈ શકે છે." પરમાત્માના સાક્ષાત્કારના અનુભવને આધારે તેમના સ્વરૂપનું વર્ણન કરતાં ઉપનિષદો જણાવે છે કે “એ નેતિ', “નેતિ' અર્થાત “એમ નહિ', “એમ નહિ, એવા શબ્દોથી જ કથાય છે, છતાં એ નિષેધરૂપ-શૂન્ય-ખાલી નથી. એ અનંત સત રૂપ, અનંત ચિત રૂપ, અનંત આનંદરૂપ તત્ત્વ છે.”૧૭ પરમાત્મા અનંત સત્ રૂપ, અનંત ચિત રૂપ, અનંત આનંદરૂપ છે એમ કહેવાનો અર્થ શો ? સત્ એટલે હોવું. પરમાત્મા કાયમ માટે છે જ, તેમની ક્યારેય ઉત્પત્તિ થઈ નથી, ક્યારેય નાશ થવાનો નથી અને તેથી તે અનંત સત્ રૂપ છે. ચિત્ એટલે જ્ઞાન. પરમાત્મા સર્વજ્ઞ છે. તેમના જ્ઞાનને કોઈ સીમા નથી અને તેથી તે અનંત ચિત્ રૂપ છે. પરમાત્મામાં દુ:ખનો સદંતર અભાવ છે. એટલું જ નહિ પણ તેમનો આનંદ નિરંતર ઊભરાતો રહે છે, અને તેથી તે અનંત આનંદરૂપ છે. પરમાત્મા કે નિર્ગુણ બ્રહ્મનાં આ ત્રણે સ્વરૂપનો ખ્યાલ આપવા માટે સંક્ષેપમાં એમ કહેવામાં આવે છે કે પરમાત્મા અનંત સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આવા સ્વરૂપનો આપણને આ જગતમાં ક્યાંયે અનુભવ થતો નથી. અને તેથી આવા કોઈ અનુભવ સાથે એને સરખાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો એ પ્રયત્નની નિરર્થકતા દર્શાવવા પરમાત્માના અનુભવી ઋષિઓ “એમ નહિ', “એમ નહિ (“નેતિ નેતિ') એમ કહે છે.