________________ હિન્દુ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતો 49 માત્રામાં રહેલા છે. રામાનુજાચાર્યે એમના “શ્રીભાષ્યમાં એ મતનું ખાસ પ્રતિપાદન કર્યું છે કે “પરમાત્મા તમામ અપૂર્ણતાઓથી મુક્ત છે અને તેનામાં તમામ કલ્યાણકારી ગુણો રહેલા છે.” અનંત કલ્યાણકારી ગુણોયુક્ત સંપૂર્ણ વ્યક્તિત્વ ધરાવનાર પરમાત્મા આ જગતનાં ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ છે. જગતના સર્જક તરીકે પરમાત્મા બ્રહ્મા’ને નામે, જગતના પાલનહાર તરીકે પરમાત્મા “વિષ્ણુને નામે અને જગતનો પ્રલય કરનાર તરીકે પરમાત્મા “મહેશ’ને નામે ઓળખાય છે. આમ, 1. બ્રહ્મા, 2. વિષ્ણુ અને 3. મહેશ એ “ત્રિમૂર્તિ એક જ પરમાત્માનાં ત્રણ જુદા જુદાં કાર્યોને અનુલક્ષીને અપાયેલાં નામ છે. વિષ્ણુપુરાણ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે “ભગવાન જનાર્દન તો એક જ છે. તે સૃષ્ટિનું સર્જન કરતાં બ્રહ્મા, પાલન કરતાં વિષ્ણુ અને નાશ કરતાં શિવ નામ ધારણ કરે છે.૪ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ નામો અનુક્રમે પરમાત્માની રજોગુણપ્રધાન સર્જકશક્તિ, સત્ત્વગુણપ્રધાન પોષકશક્તિ અને તમોગુણપ્રધાન સંહારકશક્તિનાં સૂચક છે. સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણ ધરાવનાર પરમાત્માની શક્તિને માયા કે પ્રકૃતિને નામે પણ ઓળખવામાં આવે છે. શ્વેતાશ્વેતર ઉપનિષદ કહે છે કે “માયાને તું જગતના કારણરૂપ પ્રકૃતિ જાણ, અને માયાશક્તિવાળા પરમાત્માને મહેશ્વર જાણ. તે મહેશ્વરના અવયવો વડે જ આ સમગ્ર જગત વ્યાપ્ત છે. આથી હિન્દુ ધર્મમાં એમ પણ કહેવામાં આવે છે કે પરમાત્માની માયા એ આ જગતનું કારણ છે. આમ, કેટલીક વાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રિમૂર્તિની ભાષામાં તો કેટલીક વાર માયા કે પ્રકૃતિની ભાષામાં આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનો ખુલાસો કરવામાં આવે છે. પણ આ બંને પ્રકારની ભાષાનો અર્થ એક જ થાય છે અને તે એ કે પરમાત્મા એક જ છે અને તે એક પરમાત્માને કારણે જ આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય શક્ય બને છે. ગીતાકારના શબ્દોમાં “આખા જગતનાં ઉત્પત્તિ અને લયનું કારણ હું છું. હે ધનંજય ! મારા કરતાં પર એવું બીજું કંઈ નથી. જેમ સૂત્રમાં મણકા પરોવાયેલા હોય છે તેમ આ બધું (વિશ્વ) મારામાં પરોવાયેલું છે.” હેતુવાદઃ અહીં સ્વાભાવિક રીતે એ પ્રશ્ન ઉદ્ભવે છે કે પરમાત્મા સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કાર્ય શા માટે કરે છે? પરમાત્મા નિત્યતૃપ્ત અને પરિપૂર્ણ તત્ત્વ છે અને તેથી સૃષ્ટિને લગતી પરમાત્માની પ્રવૃત્તિઓ તેમના પોતાના સ્વાર્થ માટે હોઈ શકે જ નહિ. આ મુદ્દાની સમજૂતી આપતાં શ્રી સ્વામિનારાયણે લખ્યું છે કે એવા જે ભગવાન તેને આ જગતની ઉત્પત્તિ અને સ્થિતિનું કરવું છે તે કાંઈ પોતાને અર્થે નથી, કાં જે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે "बुद्धिन्द्रियमनःप्राणान् जनानामसृजत्प्रभुः / मात्रार्थं च भवार्थं च ह्यात्मनेऽकल्पनाय च // "