________________ 44 જગતના વિદ્યમાન ધર્મો 4. યોગદર્શનઃ મહર્ષિ પતંજલિએ યોગસૂત્રની રચના કરેલી છે. સાંખ્યદર્શને ત્રિગુણાત્મક શરીર અને મનથી શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્મા જુદો છે એમ જણાવી આત્માઅનાત્માના વિવેકને જીવનધ્યેય ગણાવ્યું. આ ધ્યેયને પામવાની પદ્ધતિ યોગદર્શનમાં બતાવવામાં આવી છે. આ પદ્ધતિ 1. યમ, 2. નિયમ, 3. આસન, 4. પ્રાણાયામ, 5. પ્રત્યાહાર, 6. ધારણા, 7, ધ્યાન અને 8. સમાધિ એ આઠ અંગવાળી હોવાથી તે “અષ્ટાંગ યોગ' તરીકે સુવિખ્યાત છે. જેમને સમાધિ સુધી પહોંચી આત્મસાક્ષાત્કાર કરવો ન હોય તેવા લોકોને પણ શરીર અને મનના સ્વાથ્ય માટે યોગનાં પ્રથમ પાંચ અંગ ખૂબ જ ઉપયોગી છે એ વાતનો સ્વીકાર આધુનિક વિજ્ઞાનીઓ પણ કરતા થયા છે. યોગની આ ઉપયોગિતાને લીધે યુરોપ અને અમેરિકાના ભૌતિક દૃષ્ટિએ ખૂબ આગળ વધેલા દેશોમાં પણ યોગશિક્ષણનો પ્રચાર વધતો જાય છે અને તે અંગેનાં વૈજ્ઞાનિક સંશોધનો વધારે ને વધારે વેગ પકડી રહ્યાં છે. પ. પૂર્વમીમાંસા દર્શન : જૈમિની ઋષિએ પૂર્વમીમાંસા સૂત્રની રચના કરેલી છે. વેદના બ્રાહ્મણ વિભાગમાં આવતી યજ્ઞયાગાદિ ક્રિયાઓને લગતા તેમજ બીજા વિધિનિષેધો સમજાવીને કર્મકાંડ તેમજ નીતિધર્મનું પ્રતિપાદન કરવું એ પૂર્વમીમાંસા દર્શનનું મુખ્ય પ્રયોજન છે. આથી આ દર્શનને કર્મમીમાંસા' તેમજ “ધર્મમીમાંસા'ને નામે પણ ઓળખવામાં આવે છે. આત્મા અને પરમાત્માનાં જ્ઞાન અને ભક્તિનો અધિકાર ધર્મનું આચરણ કર્યા પછી જ મળતો હોઈ, ધર્મમીમાંસાનું ‘પૂર્વમીમાંસા' નામ સાર્થક છે. 6. ઉત્તરમીમાંસા દર્શન : આ દર્શનના સૂત્રકાર બાદરાયણ વ્યાસ છે. “ધર્મમીમાંસા'માં ઉપદેશેલો ધર્મ જીવનમાં ઉતાર્યા પછી આત્મા અને પરમાત્માનાં સ્વરૂપ અને સંબંધ અંગે વિચાર થઈ શકે છે તેથી આ દર્શનનું “ઉત્તરમીમાંસા' એવું નામ સાર્થક છે. ઉત્તરમીમાંસાને “બ્રહ્મમીમાંસા' અને “વેદાન્તને નામે પણ ઓળખવામાં આવે છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય વગેરે વેદાંતના આચાર્યોએ પોતપોતાનું વેદાન્તદર્શન આપીને આત્મા અને પરમાત્માનાં સ્વરૂપ અને સંબંધ અંગેના વિચારોનું પ્રતિપાદન કરેલું છે. આમ, વેદાંતના આચાર્યો અનેક છે અને તેથી વેદાંતદર્શનો પણ અનેક છે. આ પછીના પ્રકરણમાં હિન્દુ ધર્મની તાત્ત્વિક માન્યતાનું નિરૂપણ કરતી વખતે આપણે વેદાન્તના વિવિધ આચાર્યોના મતની સ્પષ્ટતા કરીશું. | 7. સંતવાણીઃ છ પ્રકારનાં હિન્દુ ધર્મશાસ્ત્રોની આપણે અત્યાર સુધીમાં ઝાંખી કરી. આ બધાં શાસ્ત્રોને સંખ્યાની તેમજ વાસ્તવિક ધાર્મિક જીવન પરની પ્રભાવકતાની દષ્ટિએ ઝાંખા પાડી દે એટલું બધું વિપુલ અને પ્રભાવક ધાર્મિક સાહિત્ય હિન્દુ ધર્મના સંતપુરુષોએ રચેલું છે. અત્યાર સુધીમાં ગણાવેલા બધા શાસ્ત્રગ્રંથો સંસ્કૃત ભાષામાં છે અને તેથી તેમના વાચન માટે કાં તો પંડિત પાસે કથા કરાવવી પડે અથવા