________________ 254 જગતના વિદ્યમાન ધર્મો નીતિસંહિતા ઉત્તમ છે, બલકે જગતનાં નીતિશાસ્ત્રમાં શિખર સમી છે, પણ તો પછી, આ બધું જાણતા છતાં, કેમ કોઈ દેશે આજ સુધી આ નીતિનિયમો ઉપર પોતાની રાજ્યવ્યવસ્થા રચી નથી? કેમ સર્વત્ર પોલીસ અને લશ્કરની વ્યવસ્થા કરવી પડે છે, કાયદા-કાનૂન ઘડવામાં આવે છે અને ગુનેગારોને કાયદાપૂર્વક સજા થાય છે ? ઈસુનું નીતિશાસ્ત્ર એક મહાકવિની કલ્પના કે એક ફિલસૂફના દિવાસ્વપ્ર સમાન ભવ્ય અને ઉત્કૃષ્ટ છે; છતાં દુનિયા, દેશ કે શહેર તો શું, કોઈ નાના જૂથે પણ તેને આચરણમાં મૂકવાની હિંમત ભાગ્યે જ કરી હશે. આ ઉપરથી જણાય છે કે, અપાર ભલાઈ અને ક્ષમાવૃત્તિ ઉત્તમ ગુણો હોવા છતાં સમાજમાં ઘણી વાર ન્યાય માટે કડકાઈની અને અનિવાર્ય હિંસાની પણ જરૂર રહે છે.”૨૦ વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના વ્યવહારની નીતિ અંગે ખ્રિસ્તી અને જરથોસ્તી દૃષ્ટિકોણમાં ભેદ જરૂર છે, પણ તેમનો સમન્વય અશક્ય નથી. બીજાઓ સાથે વ્યક્તિગત હેસિયતથી વર્તવાનું હોય ત્યારે પ્રેમભાવના અને જ્યારે કોઈ સંસ્થાકીય કે સામાજિક સંદર્ભમાં વર્તવાનું હોય ત્યારે ન્યાયભાવનાને અનુસરવામાં આવે તો આ બંને સિદ્ધાંતોનો સમન્વય સધાય છે. પ્રો. દાવરે પોતે આ પ્રકારના સમન્વયનો નિર્દેશ કરેલો છે. તેઓએ લખ્યું છે : ““કોઈ દયાળુ માણસ વ્યક્તિગત રૂપમાં કોઈ દુષ્ટને અનેક વાર માફ કરી શકે; પણ જો તે એક ન્યાયાધીશ હોય તો, એની મરજી હોય યા ન હોય તો પણ, એના હોદ્દાની રૂએ પ્રાપ્ત થયેલી ફરજ પ્રમાણે તેણે એક ખૂનીને દેહાંતદંડની પણ સજા કરવી જ પડે છે; નહિ તો પોતાના હોદ્દાનો ત્યાગ કરવો પડે છે. મનુષ્યને જેવું હૃદય હોય તેવું કોઈ સંસ્થા કે રાષ્ટ્રને હોતું નથી. સંસ્થા કે રાષ્ટ્ર કાયદા અને ન્યાય પ્રમાણે યંત્રવત્ પ્રવર્તે છે. કોઈ બે દેશોના લોકો વચ્ચેનો સંબંધ પ્રેમ અને દયાનો હોઈ શકે, પણ તે બે દેશોની સરકારનો પરસ્પરનો વ્યવહાર ન્યાયપૂર્વક જ ચાલી શકે.”૨૧ આમ, એ સ્પષ્ટ થાય છે કે સામાજિક કે રાજકીય ક્ષેત્રે ન્યાયનો સિદ્ધાંત અને કેવળ વ્યક્તિ સંબંધોમાં પ્રેમનો સિદ્ધાંત સર્વથા આવકારદાયક છે. 3. ભક્તિભાવના અને તેની અભિવ્યક્તિ : આપણે આગળ જોઈ ગયાં તેમ ભક્તિ એ ધર્મનું વિશિષ્ટ અંગ છે. આમ, જગતના તમામ ધર્મોમાં ઈષ્ટદેવ પ્રત્યે ભક્તિભાવ સેવવામાં આવે છે અને પૂજા, પ્રાર્થના, ભજન, કિર્તન અને જુદાં જુદાં વ્રતો અને ઉત્સવો દ્વારા આ ભક્તિભાવને અભિવ્યક્ત કરવામાં આવે છે. દરેક ધર્મમાં પોતપોતાના ઇષ્ટદેવ કે ઈશ્વરને દિવ્ય અને અલૌકિક તત્ત્વ માનવામાં આવે છે. દિવ્ય અને અલૌકિક તત્ત્વ આ જગતમાં પ્રત્યક્ષ રીતે દષ્ટિગોચર થતું નહિ હોવાથી તેની પ્રત્યક્ષ પૂજા કરવી હોય તો આ જગતના એક યા બીજા પદાર્થને એ ઇષ્ટદેવનું પ્રતીક માનીને એ પદાર્થની પૂજા કરવાનું આવશ્યક બને છે. આ રીતે ધર્મમાં મૂર્તિપૂજાને સ્થાન મળે છે. જગતના મોટા ભાગના ધર્મો ઈષ્ટદેવની મૂર્તિના વિધિસરના પૂજનનો મહિમા સ્વીકારે છે. જે ધર્મો મૂર્તિપૂજાનો વિરોધ કરે છે તેમાં