________________ 252 જગતના વિદ્યમાન ધર્મો પૂજ્યભાવનું વિશેષ તત્ત્વ ન હોય તો આ બંને પ્રકારમાં ભેદ શો છે?”૧૨ માબાપની સેવા કરતાં પુત્ર કદીક નમ્રપણે વિરોધ પણ દાખવી શકે; જો તેઓ ન જ સાંભળે તો એમે કહેતાં વિરમવું નહિ, પણ સાથે સાથે વિશેષ આદરભાવ પણ બતાવતા રહેવું; જો એનો શ્રમ વ્યર્થ જ જાય તો પણ એણે ક્રોધ દાખવવો નહિ.” ““માબાપ જ્યાં સુધી જીવતાં હોય ત્યાં સુધી દૂર દૂરના પ્રવાસ કરવા નહિ; પ્રવાસ કરવો જ પડે તો સુનિશ્ચિત સ્થળનો જ કરવો.” “માબાપની ઉંમરનું હંમેશાં સ્મરણ રાખવું - એક તરફથી આનંદના પ્રસંગ તરીકે, બીજી તરફથી ભયના કારણ તરીકે.”૧૩ 2. “પતિનું પત્ની પ્રત્યેનું વર્તન હંમેશાં નીતિનિષ્ઠ હોવું જોઈએ, જ્યારે પત્નીએ હંમેશાં પતિની આજ્ઞામાં રહેવું જોઈએ.”૧૪ 3. “મોટાભાઈનો નાનાભાઈ સાથેનો વ્યવહાર સૌજન્યયુક્ત હોવો જોઈએ, જ્યારે નાનાભાઈએ મોટાભાઈ સાથે આદરભાવથી વિનમ્રપણે વર્તવું જોઈએ.”૧૫ 4. રાજા પરોપકારી હોય અને પ્રજા રાજાને વફાદાર હોય એ રાજા-પ્રજા વચ્ચેના સંબંધની મુખ્ય નૈતિક આવશ્યક્તા છે. પ્રજા સંતુષ્ટ રહે, રાજ્યને વફાદાર રહે અને સુનીતિના પંથે ચાલે તે માટે રાજાએ કઈ રીતે વર્તવું જોઈએ એ બાબતની સમજૂતી આપતાં કફ્યુશિયસે કહ્યું છે : ““પ્રામાણિક મનુષ્યોને ઊંચી પદવીએ ચડાવો અને સઘળા દુષ્કૃત્ય કરનારાઓને રૂખસદ આપો, એટલે પ્રજા સંતોષમાં રહેશે. દુષ્કૃત્ય કરનારાઓને ઊંચી પદવીએ ચડાવો અને પ્રામાણિક મનુષ્યોને રૂખસદ આપો તો પ્રજામાં અસંતોષ થશે.” “તમે (રાજા) તેઓની સાથે (પ્રજાની સાથે) ગૌરવભર્યું વર્તન રાખો, એટલે તમને તેનો આદર મળશે; તમે સારા પુત્ર અને સ્નેહાળ રાજવી થાઓ એટલે તેઓ તમને વફાદાર રહેશે; લાયકાતવાળાને ઊંચી પદવીએ ચડાવો અને જેમનામાં ઊણપ હોય તેમને જ્ઞાન આપો. એટલે તેઓને સુનીતિને પંથે ચાલવાનું પ્રોત્સાહન મળશે.”૧૬ 5. મિત્રનો મિત્ર સાથેનો વ્યવહાર ઉદારતાભર્યો હોવો જોઈએ. એક ચીની કહેવત જણાવે છે : “જેટલી સહૃદયતાથી તમે તમારી પોતાની જાતને માફી આપો તેટલી સહૃદયતાથી બીજાને માફી આપો, એટલે સંપૂર્ણ મૈત્રી શક્ય બનશે.”૧૭ હિંદુ ધર્મના વર્ણાશ્રમના સિદ્ધાંતની સાથે કર્યુશિયસ ધર્મના પાંચ સંબંધોની સુયોગ્ય જાળવણીના સિદ્ધાંતની તુલના કરતાં એ સ્પષ્ટ થશે કે બંને સિદ્ધાંતો ધાર્મિક જીવનમાં સામાજિક નીતિના પાલનનું મહત્ત્વ સ્વીકારે છે અને એ રીતે ધર્મ અને સમાજ વચ્ચેના ઘનિષ્ઠ સંબંધની સ્પષ્ટતા કરે છે. આટલા પૂરતું આ બંને ધર્મના સામાજિક નીતિ અંગેના સિદ્ધાંતમાં સામ્ય છે. તેમની વચ્ચેનો મૂળભૂત ભેદ આ પ્રમાણે છે : હિંદુ ધર્મમાં વર્ણાશ્રમ ધર્મનું નિરૂપણ એ રીતે કરવામાં આવ્યું છે કે વ્યક્તિ જો ધર્મનું પાલન કરે તો તે સમાજની સેવા તો કરે જ છે, પણ સાથે સાથે પોતાનું આધ્યાત્મિક હિત પણ સાધે છે. હિંદુ પરિભાષામાં કહીએ તો વર્ણાશ્રમ ધર્મના