________________ 248 જગતના વિદ્યમાન ધર્મો અનુયાયી અને સંનિષ્ઠ વિદ્યાપુરુષ પ્રો. દાવરનો આ અંગેનો અભિપ્રાય નોંધવાનું અહીં જરૂરી બને છે. તેઓ લખે છે : ‘જરથોસ્તી ધર્મ પ્રમાણે પુનર્જન્મ છે કે કેમ તે વિષે અભ્યાસીઓમાં મતભેદ છે. આપણે સ્વીકારીશું કે પુનર્જન્મનો સિદ્ધાંત અત્યંત બુદ્ધિગમ્ય અને તર્કશુદ્ધ છે. એટલું જ નહિ જીવન-મરણની ફિલસૂફી સમજાવતા કોઈ પણ સિદ્ધાંત કરતાં પુનર્જન્મનો સિદ્ધાંત વધુ પ્રતીતિકર છે, એમ પણ આપણે સ્વીકારીશું. પણ જે નિયમ સૌથી સારો અને કુદરતી હોય તે જરથોસ્તી ધર્મમાં હોવો જ જોઈએ, એમ માની લેવું ઠીક નથી. કેટલાક વિદ્વાન જણાવે છે કે, જરથોસ્તી ધર્મગ્રંથો સંપૂર્ણ રૂપમાં બચી શક્યા નથી; તેમાંના અમુક અંશો જ બચી ગયા છે. જો સઘળાં ધર્મપુસ્તકો બચ્યાં હોત, તો તેમાંથી પુનર્જન્મનો નિયમ પ્રાપ્ત થયો હોય. પણ આ દલીલમાં વજૂદ નથી, કેમ કે જરથોસ્તી ધર્મ પ્રમાણેની જીવનમરણની ફિલસૂફીની રચના જ એવી છે કે તે મુજબ પુનર્જન્મને એમાં સ્થાન હોઈ શકે નહિ. પારસી ધર્મવિદો અને “ઈન્સ્પેક્નમ' નામે ઓળખાતા જરથોસ્તી ધર્મવિદ્યાના પારસી અભ્યાસીઓ જરથોસ્તી ધર્મમાં પુનર્જન્મનો સિદ્ધાંત જુએ છે અને તેને પુરવાર કરવા બહુ ઉત્સુક હોય છે. પણ જરથોસ્તી ધર્મશાસ્ત્રોના આધારભૂત તરજુમાઓ ધ્યાનથી વાંચતાં તેમજ તટસ્થ રીતે તેનું પરિશીલન કરતાં પુનર્જન્મનો મહાન સિદ્ધાંત આ ધર્મમાં નથી જ, એવા અનુમાન ઉપર આપણે આવવું પડે છે.” 2. નૈતિક સિદ્ધાંતો : જગતના બધા જ ધર્મોમાં સદાચરણને અનુસરવાનો અને દુરાચરણથી દૂર રહેવાનો ઉપદેશ લગભગ એકસરખી રીતે કરવામાં આવ્યો છે. માણસ માત્ર એવું ઇચ્છે છે કે તેના પ્રત્યેનું સૌનું વર્તન નૈતિક દૃષ્ટિએ ઉન્નત હોય, જોકે પોતાની નબળાઈઓને લીધે તેનું પોતાનું બીજા પ્રત્યેનું વર્તન હંમેશાં આવું હોતું નથી. આથી જગતના તમામ ધર્મોમાં “બીજા લોકો પાસેથી જેવા વર્તનની તમે અપેક્ષા રાખો છો તેવું વર્તન તમે બીજા લોકો સાથે રાખો' એ નિયમનો “સુવર્ણ નિયમ' તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. આ બાબતના સમર્થનમાં એસ.જી. ચેમ્પિયને જગતના જુદા જુદા નવ ધર્મોના મૂળ શાસ્ત્રગ્રંથોમાંથી પસંદ કરેલાં વાક્યો નીચે પ્રમાણે છે: 1. “જેનાથી તમને દુઃખ થાય છે તેના વડે બીજાને આઘાત પહોંચાડો નહિ.” - બૌદ્ધ ધર્મ 2. “તમારી દૃષ્ટિએ બીજા માણસોએ તમારે માટે જે વસ્તુઓ કરવી જોઈએ તે બધી જ વસ્તુઓ તમારે બીજા માણસો માટે કરવી, કારણ કે આ જ પયગમ્બરી નિયમ છે.” - ખ્રિસ્તી ધર્મ 3. ““જે વર્તણૂક તમને આઘાતજનક લાગે છે તે વર્તણૂક તમારા માનવબંધુઓ પ્રત્યે કરો નહિ. આમાં આખા ‘તોરાહ'નો સાર છે. બાકી બધું તો માત્ર તેનું વિવરણ છે. જા અને આ સૂત્રનો સ્વાધ્યાય કર.” - યહૂદી ધર્મ