________________ 11 ધર્મતત્ત્વવિચાર મેળવેલું જ્ઞાન છે. વિજ્ઞાન દ્વારા કુદરતના જે નિયમોનું આપણને જ્ઞાન મળે તેનો ધાર્મિક માણસના જીવનમાં ઉપયોગ થઈ શકે છે. એ જ રીતે કોઈ પણ વિજ્ઞાની પોતાનું વૈજ્ઞાનિક સંશોધન ચાલુ રાખીને ધાર્મિક જીવન જીવી શકે છે. દા.ત., આ યુગના સૌથી વધારે સમર્થ વિજ્ઞાની આઈન્સ્ટાઈન જીવન પ્રત્યેના આધ્યાત્મિક દૃષ્ટિકોણમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા હતા અને તે પ્રમાણે જીવન જીવતા હતા. આમ, એ સ્પષ્ટ થાય છે કે વિજ્ઞાન અને ધર્મ વચ્ચે વિરોધ છે એમ કહેનારા લોકો કાં તો 1. ધર્મ શું છે અને વિજ્ઞાન શું છે તે જ જાણતા નથી અને તેથી તેમની વાત કેવળ ગેરસમજ પર રચાયેલી હોઈ, કાઢી નાખવા જેવી છે, અથવા 2. ધર્મ અને વિજ્ઞાનના સાચા સ્વરૂપને જાણવા છતાં તેમની વચ્ચેના વિરોધના અર્થહીન વાતો કરે છે અને કયો બુદ્ધિમાન માણસ અર્થહીન વાતોને માનવા તૈયાર થાય છે ? ધર્મ અને વિજ્ઞાન વચ્ચેના વિરોધની વાતો કેવળ અર્થશૂન્ય છે એ મુદ્દાની સમજૂતી આપતાં ડી. એમ. એડવર્ડ્ઝ યથાર્થ કહે છે કે “ગુણાકારદર્શક કોઠો અને પ્રેમમાં પડવું” નામની ઘટના વચ્ચે વિરોધ છે, એમ કહેવામાં જેટલો અર્થ છે તેનાથી વધારે અર્થ “ધર્મ અને વિજ્ઞાન વચ્ચેનો વિરોધ” એ શબ્દોમાં નથી.”૨૫ 2. વિજ્ઞાન અને ધર્મ એ બંને માનવસંસ્કૃતિનાં એકબીજાથી જુદાં એવાં તત્ત્વો છે, અને તેઓ એકબીજાનાં વિરોધી તો નથી જ પણ તેથી ઊલટું એકબીજાના પૂરક છે. વિજ્ઞાન દ્વારા આપણે આ જગતના નિરીક્ષણક્ષમ પદાર્થોનું જ જ્ઞાન મેળવીએ છીએ. આ પદાર્થોના તેમજ માનવજીવનના મૂલ્યનું જ્ઞાન વિજ્ઞાન દ્વારા સાંપડી શકતું નથી. જગત તેમજ માનવજીવનના મૂલ્ય કે હેતુને લગતું આધ્યાત્મિક જ્ઞાન ધર્મ દ્વારા જ મળી શકે છે. જેવી રીતે માનવજીવનને સગવડ ભરેલું બનાવવા માટે કુદરતના નિયમોનું જ્ઞાન જરૂરી છે તેવી જ રીતે માનવજીવનને હેતુપૂર્ણ બનાવવા માટે આધ્યાત્મિક જ્ઞાન પણ જરૂરી છે. આમ, વિજ્ઞાન અને ધર્મ બંને એકબીજાના કાર્યનાં પૂરક બનીને માનવસંસ્કૃતિમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે, અને તેથી તેમાંના કોઈ પણ એકનું અવમૂલ્યન થાય તો તેથી માનવસંસ્કૃતિને ન પુરાય તેવી ખોટ પડે છે. ઉં. જ. સાંડેસરાએ યથાર્થ કહ્યું છે કે “જો વિજ્ઞાન એ ભૌતિક પદાર્થો મારફતે “સત્ય” શોધવાનું કાર્ય કરે છે અને “ધર્મ' જો વિશ્વને ધારણ કરવાનો નિયમ છે તો એ બંને વચ્ચે ક્યાંય વિરોધ હોય એ સંભવિત નથી. તેથી વિજ્ઞાન હંમેશાં “ધર્મ સમજવાનું સહાયકારી પ્રબળ શાસ્ત્ર છે એ રીતે લેવાવું જોઈએ. વિજ્ઞાનના દુરુપયોગથી એચ. બોમ્બ બનાવનારી શોધક બુદ્ધિ પૃથ્વી ઉપરથી ચેતન જીવોને સમૂળગા ઉખાડી શકે છે પણ જો એ જ શોધક બુદ્ધિ ધર્મના ભાનથી “ધર્મને વિશેષ સમજવા માટે પ્રવૃત્તિ કરે તો ચેતન જીવોને સુખી તથા સમૃદ્ધ કરવામાં મહત્ત્વનો ફાળો આપી શકે અને સત્ય-શોધનનું કાર્ય ચડિયાતું, અવરોધવિહીન અને કલ્યાણપ્રદ થાય.”૨૬