________________ જગતના વિદ્યમાન ધર્મો જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને નીતિ એ ચારેયનો એકબીજા સાથેનો સંબંધ સમજાવતાં શ્રી સ્વામિનારાયણે લખ્યું છે કે જે ધાર્મિક માણસ જ્ઞાની હોય, એટલે કે પોતાને આત્મા કે બ્રહ્મરૂપ માનતો હોય પણ તેનામાં પરમાત્મા કે ઈશ્વર પ્રત્યે ભક્તિભાવ ન હોય તો તેને ઈશ્વર સાથેના ઘનિષ્ઠ પ્રેમસંબંધને લગતી ધન્યતાનો અને તેની સાથે સંકળાયેલા પરમ આનંદનો અનુભવ થઈ શકતો નથી. આમ, ભક્તિ વિનાની એકલી જ્ઞાનનિષ્ઠા કેવળ શુષ્ક બની જાય છે. જેવી રીતે ભક્તિના અભાવમાં એકલું જ્ઞાન ધન્યતા અને પરમ આનંદની અનુભૂતિ કરાવી શકતું નથી તેવી જ રીતે જ્ઞાનના અભાવમાં એકલી ભક્તિ પૂર્ણરૂપે પ્રગટી શકતી નથી, કારણ કે પોતે આત્મા કે બ્રહ્મસ્વરૂપ છે એવું પાકું જ્ઞાન જેને ન હોય તે ભક્ત ગમે ત્યારે દેહાભિમાનમાં ફસાઈ જઈ શકે છે અને “પાપમૂળ અભિમાન'ના ન્યાયે તે ભક્તિમાર્ગેથી ચલિત થાય છે. આમ, ભક્તિ અને જ્ઞાન બંને એકબીજાના પૂરક છે. - ભક્તિ અને જ્ઞાન એ બંનેનો વૈરાગ્ય સાથેનો સંબંધ સમજાવતાં શ્રી સ્વામિનારાયણ જણાવે છે કે જે ધાર્મિક માણસ જ્ઞાની પણ હોય અને ભક્ત પણ હોય પરંતુ જો તેનામાં જગતના સુખોપભોગમાં વૈરાગ્ય કે અનાસક્તિ ન હોય તો તે અમુક સંયોગોમાં આ સુખો પ્રત્યેની આસક્તિમાં અંધ બની જાય અને તેને પરિણામે તે પોતાના જ્ઞાનયોગ અને ભક્તિયોગ ઉભયથી ભ્રષ્ટ થાય તે તદ્દન સંભવિત છે. આમ, જ્ઞાન અને ભક્તિ એ બંનેને વૈરાગ્યની અપેક્ષા છે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ ત્રણેની આવશ્યકતા સમજાવ્યા બાદ એ ત્રણેનો નીતિ સાથેનો સંબંધ સમજાવતાં શ્રી સ્વામિનારાયણે કહ્યું છે કે આ ત્રણેના પાયામાં નાતિ છે (કાવાર: પ્રથમ વર્ષ:). અર્થાત જે માણસ નીતિમાન કે સદાચારી હોય તે જ જ્ઞાની, ભક્ત કે વૈરાગ્યશીલ હોઈ શકે છે. આમ, નીતિ વગર આ ત્રણેમાંથી એકેય સિદ્ધ થતાં નથી, એ ખરું હોવા છતાં એકલી નીતિ પર્યાપ્ત નથી, કારણ કે કેવળ સદાચારનું પાલન કરવાથી માણસ લૌકિક અને નાશવંત સુખ તેમ જ શાંતિ મેળવી શકે છે પણ અલૌકિક અને શાશ્વત આનંદ તેમજ શાંતિની પ્રાપ્તિ તો સદાચારને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સાથે જોડી પૂર્ણ ધાર્મિક રીતે જીવવામાં આવે તો જ શક્ય બને છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને નીતિનાં સ્વરૂપ અને સંબંધ અંગેની ઉપર્યુક્ત સમજૂતી પરથી સ્પષ્ટ થાય છે કે ધાર્મિક જીવનનાં આ ચારે અંગોને એકબીજાની અપેક્ષા છે અને તેમાંના કોઈ એક અંગની પણ ન્યૂનતા ધાર્મિક જીવનને ઊણપવાળું કે ખામીભરેલું બનાવે છે. 3. ધર્મનું લક્ષણ આપવાના પાશ્ચાત્ય તત્ત્વચિંતકોએ કરેલા પ્રયત્નોની સમીક્ષાઃ આપણે જોયું કે ધાર્મિક જીવન કે ધર્મમાં જ્ઞાન, ભક્તિ, નીતિ અને વૈરાગ્ય એ ચારેય અંગની આવશ્યકતા છે. ધર્મનું લક્ષણ આપવાના આધુનિક વિદ્વાનોના પ્રયત્નોમાં આ ચારમાંનાં કેટલાં અંગોનો કેવી રીતે નિર્દેશ થયો છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.