________________ ધર્મતત્ત્વવિચાર ધર્મ માનવજાતનો સદાનો સાથી છે એ હકીકતના સંદર્ભમાં એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે માણસનો આધ્યાત્મિક વિકાસ જેટલો વધારે તેટલી તેની ધાર્મિક ભાવના વધારે ઉદાત્ત હોય છે. કોઈ પણ માણસ કે માનવસમાજ સંપૂર્ણ ધર્મવિહોણો હોય એમ ક્યારેય બનતું જ નથી તેનું કારણ એ જ છે કે માણસને માણસ બનાવનારું તત્ત્વ ધર્મ જ છે. અર્થાત્ માણસને માણસ તરીકે જીવવું હોય તો ધર્મ તેને માટે અનિવાર્ય થઈ પડે છે. માણસના માણસપણાનું રક્ષણ ધર્મને લીધે જ થતું હોવાથી મનુસ્મૃતિ કહે છે કે “જે માણસ ધર્મનું રક્ષણ કરે છે તે માણસનું રક્ષણ ધર્મ કરે છે.” જેવી રીતે માણસના વ્યક્તિગત જીવનમાં ધર્મનું મહત્ત્વ છે તેવી જ રીતે સામાજિક જીવનમાં પણ ધર્મનો ફાળો અજોડ છે. સમાજની એક્તા અને સ્થિરતા ટકાવી રાખવામાં ધર્મનો જે ફાળો છે તેને ધ્યાનમાં રાખીને મહાભારતકારે ધર્મને પ્રજાજીવનનો આધારસ્તંભ ગણાવ્યો છે.' 2. ધાર્મિક જીવનનું વિશ્લેષણ : આપણે જોયું કે ધાર્મિક જીવન દ્વારા માણસમાં અહિંસા, સત્ય, પ્રેમ, શાંતિ વગેરે ગુણો પ્રગટે છે અને એ રીતે તે ભય અને આક્રમક્તાની વૃત્તિમાંથી છૂટે છે. ધાર્મિક જીવનનું આ ધ્યેય જ્યારે પૂરેપૂરું પાર પડે ત્યારે એમ કહી શકાય કે માણસ માણસ મટીને દેવ કે ઈશ્વર કોટિએ પહોંચી શક્યો છે. આ દૃષ્ટિએ એમ કહી શકાય કે “દૈવી તત્ત્વ', “ઈશ્વર” કે “પરમાત્મા’ની આરાધના કરવી એ ધાર્મિક જીવનનું હાર્દ છે. જો ધાર્મિક જીવન એ પરમ દૈવી તત્ત્વને પામવા માટેનું જીવન હોય તો તે મંદિરમાં જવાથી શરૂ થાય અને મંદિરની બહાર નીકળવાથી પૂરું થાય એવું હોઈ શકે નહિ. મંદિરો તો ધાર્મિક જીવન જીવવાની ચાવી બતાવનારી સંસ્થાઓ છે. ધાર્મિક જીવન તો મંદિરની અંદર તેમજ બહાર સર્વત્ર અને જીવનની પ્રત્યેક ક્ષણે જીવવાનું હોય છે. આમ, ધાર્મિક જીવન એ માણસના સમગ્ર વ્યક્તિત્વ અને વ્યવહારને આવરી લેતી વસ્તુ છે. માણસના સમગ્ર વ્યક્તિત્વને સમજવા માટે તેના 1. વિચારો, 2. લાગણીઓ અને 3. કર્મો એ ત્રણ બાબતો જાણવી જરૂરી હોય છે. આનો અર્થ એ કે જો ધર્મ માણસના સમગ્ર વ્યક્તિત્વને આવરી લેતો હોય તો તેને માણસના વિચારો, લાગણીઓ અને કર્મો એ ત્રણે સાથે સંબંધ હોવો જોઈએ. આનો અર્થ એ કે સંપૂર્ણપણે વિકસિત એવા ધાર્મિક જીવનનું વિશ્લેષણ કરવામાં આવે તો તેમાં માણસના 1. વિચારો કે બુદ્ધિ સાથે સંબંધ રાખનારું જ્ઞાનાત્મક પાસું, 2. લાગણીઓ કે ભાવનાઓ સાથે સંબંધ રાખનારું સંવેદનાત્મક પાસું અને 3. કર્મ કે વર્તણૂક સાથે સંબંધ રાખનારું નૈતિક પાસું એ ત્રણ પાસાં જોવા મળે છે. બીજી રીતે કહીએ તો પરિપૂર્ણ ધાર્મિક જીવનમાં 1. જ્ઞાન, 2, ભક્તિ અને 3. નીતિનું અનિવાર્ય સ્થાન હોય છે. જ્ઞાન, ભક્તિ અને નીતિ વૈરાગ્ય વગર સિદ્ધ થતાં નથી. આમ, વૈરાગ્ય પણ ધાર્મિક જીવનનું એક આવશ્યક અંગ બની જાય છે. ધાર્મિક જીવનમાં જ્ઞાન, ભક્તિ, નીતિ અને