________________ પ્રકરણ-૮ શીખ ધર્મ - ઉપેન્દ્રરાય સાંડેસરા 1. ઉદ્ધવ અને વિકાસ ? ભારતમાં, ખાસ કરીને પંજાબમાં મુસ્લિમ અમલનો દોર બરાબર જામી ગયો હતો. જેમનામાં ધાર્મિકતાનો રજમાત્ર અંશ નહોતો એવા ક્રૂર શાસકો પ્રજા ઉપર ત્રાસ અને દમનનો કોરડો વીંઝતા હતા. પ્રજાહૃદય ભયભીત બન્યું હતું. પરિણામે એની આત્મશ્રદ્ધા ક્ષીણ બની હતી. સંગઠન અને સંરક્ષણની શક્તિ હતપ્રાય બની હતી. હિન્દુ હોવું એનો અર્થ રાજકીય ગુલામી વહોરી લેવી એવો થતો હતો. ઉત્સવો અને વરઘોડા ઉપર પ્રતિબંધ હતો. નવાં મંદિર બંધાવવા પર કે જૂનાં સમરાવવા પર પ્રતિબંધ હતો. આજે જે ઔદાર્ય સ્વાભાવિક લાગે છે તે સર્વધર્મસમન્વયની કે સર્વધર્મસમભાવની વાત કરવી એ શિરચ્છેદની સજાને પાત્ર ગુનો હતો. પરિણામે સંખ્યાબંધ હિન્દુઓને ફરજિયાત ધર્મપરિવર્તન કરવું પડતું હતું. થોડીઘણી વિદ્યા બ્રાહ્મણોમાં ટકી રહી હતી. બીજા વર્ગો તો અજ્ઞાન, વહેમ અને દારિદ્રમાં સબડતા હતા. સ્ત્રીઓનો દરજ્જો એકદમ નીચો પડી ગયો હતો. મોટા ભાગની પ્રજા હતાશ અને નિષ્ક્રિય હતી. ભક્તિ અને શ્રદ્ધાને નામે નામર્દાઈ પ્રસરતા હતાં. કઠોર કરવેરા અને ક્રૂર વર્તાવના કારણે સામાન્ય હિન્દુનું જીવન અસહ્ય હતું. મુસ્લિમોનું જીવન પણ હિન્દુઓ કરતાં જરાક સારું, પણ એકંદરે ઘણું દુઃખી હતું. શાસકો લાંચિયા અને ધાર્મિકતાવિહોણા હતા. મુસ્લિમ સ્ત્રીઓની હાલત બૂરી હતી. કેટલાંક મુસલમાન કુટુંબોમાં સતી થવાની પ્રથા હતી. નાની બાળકીઓની હત્યા કરવાનો કુરિવાજ પણ હતો. મુસલમાન શાસકો આપસઆપસમાં લડતા હતા.' ગુરુ નાનકે એ જમાનાનું વર્ણન કર્યું છે : “કલિયુગ છરા જેવો છે, રાજાઓ કસાઈ જેવા છે અને ધર્મ તો પાંખ કરીને ઊડી ગયો છે! જૂઠરૂપી અમાસ છવાઈ છે અને સત્યરૂપી ચંદ્ર તો દેખાતો જ નથી, ખબર નહિ ક્યાં ઊગ્યો હશે!... આવા અંધકારયુગમાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવનો જન્મ થયો હતો. ગુરુ નાનકે સમભાવથી હિન્દુ-મુસ્લિમ સમગ્ર પ્રજાને સન્માર્ગે દોરી. એમણે પ્રેમ અને નિર્ભયતાથી ઉપદેશ્ય કે પરમાત્માની દૃષ્ટિમાં મનુષ્યમાત્ર સમાન છે. પરમાત્મા સૌનો સર્જનહાર