________________ પ્રકરણ-૧ ધર્મતત્ત્વવિચાર - જયેન્દ્રકુમાર યાજ્ઞિક 1. ધર્મ અને માનવજાતિઃ ગાય, ભેંસ, હાથી, ઘોડા વગેરે પ્રાણીઓની જેમ માણસ પણ એક જાતનું પ્રાણી છે અને બીજાં પ્રાણીઓની પેઠે તેને પણ શરીર છે. જે કોઈ શરીરધારી હોય તેને ખોરાક, ઊંઘ વગેરેની જરૂરિયાત હોય છે. આ રીતે માણસને પણ બીજાં પ્રાણીઓની જેમ ખોરાક, ઊંઘ વગેરેની જરૂરિયાતો હોય છે. બીજાં પ્રાણીઓની જીવનરીતિ જોતાં એ સ્પષ્ટ થશે કે નિર્બળ પ્રાણીઓને સબળ પ્રાણીઓનો ભય હોય છે અને સબળ પ્રાણીઓ નિર્બળ પ્રાણીઓ પર આક્રમણ કરતાં હોય છે. આને પરિણામે, માણસના કરતાં નીચી કોટિઓનાં પ્રાણીઓમાં “બળિયાના બે ભાગનો ન્યાય પ્રવર્તતો હોય છે. કેટલીકવાર માનવજાતિમાં પણ “બળિયાના બે ભાગવાળો ન્યાય પ્રવર્તતો હોય છે. અને તેનું કારણ એ જ છે કે માનવજાતિમાં પણ બીજાં પ્રાણીઓમાં જોવા મળતી ભય અને આક્રમકતાની વૃત્તિઓ રહેલી છે. આમ 1. ખોરાક, ઊંઘ વગેરેની જરૂરિયાત હોવી, અને 2. ભય અને આક્રમક્તાની વૃત્તિ સેવવી - એ બે બાબતોમાં માણસ અને બીજાં પ્રાણીઓ વચ્ચે કોઈ તફાવત નથી. આ બાબતોમાં માણસ બીજાં પ્રાણીઓ જેવો જ છે. માનવજાતિને પ્રાણીઓની બીજી જાતિઓથી જુદી પાડનારી કોઈ વસ્તુ હોય તો તે ધર્મ છે. આથી જ એક સંસ્કૃત શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે “આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર વસ્તુઓ પશુઓ અને માણસોમાં સમાન છે. ધર્મ જ માણસની વિશેષતા છે. ધર્મહીન માણસો તો પશુ જેવા જ છે.” ધાર્મિક જીવન જીવવાનું બીજાં પ્રાણીઓ માટે શક્ય જ નથી. માનવજાતિ માટે જ એ શક્ય છે. જે માણસ માનવજાતિની આ વિશેષતાને ધ્યાનમાં લઈને ધાર્મિક જીવન ગાળે છે તે શરીરધારી મટી જતો નથી અને તેથી ખોરાક, ઊંઘ વગેરેની જરૂરિયાતોમાંથી તે મુક્ત થઈ શકતો નથી, પણ તે ભય અને આક્રમકતાની વૃત્તિમાંથી મુક્ત થઈ શકે છે અને તેને પરિણામે પ્રાણીઓના જીવન કરતાં ક્યાંયે ચડિયાતું એવું જીવન જીવી શકે છે. આમ, માણસ સિવાયનાં બીજાં પ્રાણીઓ પાસે ભય અને