________________ પ્રકરણ-૭ બૌદ્ધ ધર્મ - નગીનભાઈ શાહ 1. ઉદ્ભવ અને વિકાસઃ ઈશુ પૂર્વે છઠ્ઠી શતાબ્દી સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિક નવચેતના અને વિચારક્રાંતિ પેદા કરનાર શતાબ્દી તરીકે પ્રસિદ્ધ છે. આ કાળે ચીનમાં લાઓસે અને કૉન્સ્પેશ્યસ થયા, ગ્રીસમાં પાર્મેનિડિઝ, અને એપેડોકલીઝ થયા, ઇરાનમાં અષો જરથુષ્ટ્ર થયા અને ભારતમાં બુદ્ધ અને મહાવીર થયા. બુદ્ધ-મહાવીરનો કાળ અને ઉપનિષદોનો કાળ લગભગ એક જ છે. આ કાળ પૂર્વે ભારતની પરિસ્થિતિ જ એવી હતી કે નવજાગૃતિ અને વિચારક્રાંતિ અનિવાર્ય બની રહે. જટિલ વૈદિક ક્રિયાકાંડો વધી ગયા હતાં. ક્રિયાકાંડીઓનું ધ્યેય દુઃખમુક્તિ નહિ પરંતુ સ્વર્ગ હતું. સ્વર્ગ મેળવવા તેઓ યજ્ઞો કરતા અને યજ્ઞોમાં પશુઓને હોમતા. આધ્યાત્મિકતા દષ્ટિગોચર થતી ન હતી. મનુષ્ય મનુષ્ય વચ્ચેના ભેદ અસહ્ય હતા. માણસ જન્મથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર ગણાતો. શુદ્ર વર્ગ દબાયેલો-કચડાયેલો હતો. તેનો સમાજમાં આદર ન હતો. તેને વેદો વાંચવાનો અધિકાર ન હતો. ધાર્મિક ક્રિયાઓમાં તેને સ્થાન ન હતું. સ્ત્રીઓની પણ મહદંશે શુદ્રો જેવી દશા હતી. ધર્મગ્રંથો લોકભાષામાં ન હતા. આ અસહ્ય પરિસ્થિતિનો વિરોધ ઉપનિષદોએ શરૂ કર્યો. તેમણે યજ્ઞોને અદઢ તરાપા સાથે સરખાવ્યા છે. તેમની સહાયથી સંસાર તરી ન શકાય. ઉપનિષદોનું ધ્યેય સ્વર્ગ નથી પરંતુ મોક્ષ યા દુઃખમુક્તિ છે. માણસ કર્મથી જ સારો યા ખરાબ બને છે, જન્મથી નહિ એવો બોધ ઉપનિષદોએ આપ્યો સ્ત્રીઓ આધ્યાત્મિક ચર્ચાઓમાં ભાગ લેવા માંડી. સ્ત્રીની આધ્યાત્મિક અને બૌદ્ધિક શક્તિનો સ્વીકાર થયો.આ કાળે પ્રમાણ તરીકે વેદોની પકડ ઢીલી થવા લાગી. ધર્મદર્શનના ક્ષેત્રમાં અસંખ્ય આચાર્યો અને ચિંતકો ઉદ્ભવ્યા. તેઓએ જણાવ્યું કે અમે વૈદિક પરંપરાથી સ્વતંત્ર રીતે મુક્તિનો માર્ગ શોધ્યો છે. લોકો તેમની તરફ આકર્ષાયા. વેદના પ્રામાણ્યને ફગાવી દેવામાં આવ્યું હોઈ વિચારસ્વાતંત્ર્યને દાબમાં રાખી શકે એવું કંઈ ન હતું. ચિંતકોને અંતરનો અવાજ વ્યક્ત કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હતી. આ ચિંતકો બ્રાહ્મણ અને અબ્રાહ્મણ બંને હતા. અનેક સંપ્રદાયો અને પાર વિનાના મતો પ્રગટ્યા. ઉપરાંત, અનેક પ્રકારનાં