________________ પ્રકાશકીય રામાયણ અને મહાભારત આ બે મહાકથાઓ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. પ્રત્યેક સદીમાં આ મહાકથાઓએ ભારતીય સમાજ, લોકો અને ચિંતકોને માર્ગદર્શન આપ્યું છે. આ બન્ને કથાઓએ વિશ્વની સંસ્કૃતિઓને પણ પ્રભાવિત કરી છે અને તેથી વિદેશી વિદ્વાનો પણ આ મહાકાવ્યોનું અધ્યયન, સંશોધન આદિ કરવા આકર્ષાયા છે. રામાયણ મહાકાવ્ય ઉપર ભારતીય વિદ્યાના પ્રકાંડ વિદ્વાન પ્રો. હર્મન યાકોબીએ વિસ્તારપૂર્વકનો સંશોધનાત્મક લેખ લખ્યો છે. તે લેખ હજુ સુધી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ ન હતો તેથી અહીં તેનો અનુવાદ પ્રકાશિત કરતાં અને અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ સંશોધનમાં વિદ્વાન પ્રો.હર્મન યાકોબીએ વિભિન્ન વાચનાઓના આધારે મૂળ પાઠની તારવણી, મહત્ત્વના પાઠોની સમીક્ષા અને તેના ઉપર વિદ્વત્તાપૂર્ણ ચિંતન પ્રસ્તુત કર્યું છે. આદિકવિએ રચેલા મૂળ ગ્રંથના અંશો અંગે અને સમયે સમયે ઉમેરાયેલા પ્રક્ષિપ્ત અંશો વિશેની માહિતી આપી છે. તે ઉપરાંત સંશોધકશ્રીએ છંદ, ભાષા અને વ્યાકરણની દષ્ટિએ તુલના કરી છે. ભારતીય સાહિત્યમાં રામાયણનું સ્થાન, રામાયણની કથાનો ઉદ્દભવ અને વિકાસ જેવા મહત્ત્વના વિષયો ઉપર નિષ્પક્ષ ચિંતન પ્રસ્તુત કર્યું છે. મહાકાવ્યની રચનાની દીર્ઘ યાત્રાને પરિણામે રામાયણને વર્તમાનમાં સાંપડેલા આકાર અંગે પણ ચિંતન કરવામાં આવ્યું છે. આમ આ સંશોધન રામાયણના પ્રત્યેક જિજ્ઞાસુને ઉપયોગી થાય તેવું છે અને સંશોધકોને વિશેષ ઉપયોગી થાય તેવું છે. આ ગ્રંથનો અનુવાદ સંસ્કૃત ભાષાના વિદ્વાન અને રામાયણના અભ્યાસુ પ્રો. વિજયભાઈ પંડ્યાએ કર્યો છે તે માટે સંસ્થા તેમનો આભાર માને છે. પ્રકાશન કાર્યમાં સહયોગ કરનાર તમામ મિત્રોનો અહીં વિશેષ આભાર માનું છું. 2012, અમદાવાદ જિતેન્દ્ર બી. શાહ