________________ પ્રાસ્તાવિક શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર-અમદાવાદમાં આગમપ્રભાકર પૂ.મુનિશ્રી પુણ્યવિજયજી સ્મૃતિ વ્યાખ્યાનમાળામાંના ઉપક્રમે ભારતીય દર્શનોમાં પરિણામવાદ' - એ વિષય પર ત્રણ પ્રવચનો આપવાનો અવસર આપવા માટે તથા એ પ્રવચનોનું પુસ્તકરૂપે પ્રકાશન પણ કરવા બદલ આ સંસ્થાના નિયામક આદરણીયશ્રી જિતેન્દ્ર શાહનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ બહુ આયામી અને વૈવિધ્યસભર વિશ્વના પ્રતિપળે પલટાતા દૃશ્યની રમણામાં સામાન્યજનથી માંડીને વિદ્વજનો સુધીના સહુ કોઈ ભાવુકને સદાય રસ રહ્યો છે. આ આશ્ચર્યથી ભર્યા ભર્યા રહસ્યના મૂળ સુધી પહોંચવાના સન્નિષ્ઠ પ્રયાસો વિજ્ઞાનીઓ, દાર્શનિકો અને કવિઓએ પોતપોતાની રીતે કર્યા જ છે. તેમાંથી કેટલાંક ભારતીય દર્શનોમાં આ વિષે જે વિચારણા થઈ છે, તેનું યથામતિ આકલન કરવાનો આ એક નમ્ર પ્રયત્ન છે. મુખ્ય વિષયને કેન્દ્રમાં રાખીને પણ એમાં ઉપયોગી થાય એવા જે તે દર્શનના કેટલાક અન્ય પાસાઓને પણ સ્પર્યા છે, આમ છતાં વિષયનો અહીં તલસ્પર્શી અભ્યાસ થઈ શક્યો નથી. વિદ્વાનોને આમાં ઘણી કડીઓ ખૂટતી લાગે તેવી પૂરી શક્યતા છે. તે માટે એ સહુની ક્ષમા પ્રાર્થ છું. એક રસિક વિષયની કેવળ ઝાંખી પણ જો થઈ શકી હોય તો પણ મારો આ ઉપક્રમ લેખે લાગ્યો છે, એવી કૃતાર્થતા પામી શકીશ. આ પ્રવચનો માટે સતત પ્રેરણા આપનાર સન્મિત્ર પ્રો.કાનજી પટેલનો પણ આભારી છું. - વસંત પરીખ