________________ પ્રકાશકીય સને ૨૦૧૦માં પ્રા.શ્રી વસંતભાઈ પરીખને આગમપ્રભાકર પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી સ્મૃતિ વ્યાખ્યાનમાળામાં ત્રણ વ્યાખ્યાન આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેઓશ્રીએ ભારતીય દર્શનોમાં પરિણામવાદ એ વિષય ઉપર વિદ્વત્તાપૂર્ણ ત્રણ પ્રવચનો આપ્યાં હતાં. આ પ્રવચનોમાં સાંખ્યયોગ, ન્યાય-વૈશેષિક, જૈન, બૌદ્ધ, કેવલાદ્વૈત વેદાન્તદર્શનના પરિણામવાદની વિશદ ચર્ચા કરી હતી. આ પ્રવચનો જિજ્ઞાસુઓને ઉપયોગી થાય તે માટે ગ્રંથ સ્વરૂપે પ્રગટ કરવાની સંસ્થાની પરંપરાની વાત વ્યાખ્યાનકર્તા સમક્ષ મૂકી હતી. તેઓશ્રીએ અમારી વાતને સહર્ષ વધાવી લીધી હતી, ઉપરાંત પરિશિષ્ટ રૂપે પાશ્ચાત્ય દર્શનમાં પરિણમન-વિચાર લેખ મોકલી આપ્યો હતો. તે પણ અહીં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. આ માટે અમે પ્રા.વસંતભાઈ પરીખનો આભાર માનીએ છીએ. પ્રસ્તુત ગ્રંથ દર્શનશાસ્ત્રના અભ્યાસુને ઉપયોગી થશે તેવી અમને શ્રદ્ધા છે. પ્રકાશનકાર્યમાં સહયોગ કરનાર તમામનો હું આભાર માનું છું. 2012, અમદાવાદ - જિતેન્દ્ર બી. શાહ