________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ આ ત્રણ ગુણો આંતરજગત અને બાહ્ય જગતની સંવાદિતા સર્જે છે. તેઓ સાથે જ હોય છે. તેઓ તેમનું સ્વત્વ જાળવે છે. પરંતુ કોઈપણ ગુણ તદન એકલો જ રહેતો નથી. તેઓ અન્યોન્યનો અભિભવ કરી શકે છે. એટલે કે કોઈપણ ગુણ બાકીના બે કરતાં વિશેષ પ્રમાણમાં પ્રકટ થઈ શકે છે અને એમ થાય તો જ વૈષમ્ય થયું ગણાય અને સર્ગ પ્રક્રિયા ચાલી શકે, પરંતુ સાથે સાથે તેઓ અન્યોન્યાશ્રય, અનોયન્સજનન અને અન્યોન્ય મિથુનવાળા પણ હોય છે. દેખીતી રીતે તેઓ પરસ્પર વિરોધી લાગે છે. પરંતુ એમનું ધ્યેય એક જ (પુરુષાર્થ) છે અને તેથી તેઓ સાથે રહીને પોતપોતાની રીતે કાર્ય કરી શકે છે. જેમ વાત, પિત્ત અને કફ ત્રણેય સાથે રહી શરીરમાં કાર્ય કરે છે, તેમ અથવા તો દીપકમાં જેમ વાટ, તેલ અને જયોત પરસ્પર વિરોધી હોવા છતાં પ્રકાશની ક્રિયામાં સાથે જોડાય છે તેમ 20 આ ત્રણેય ગુણો અનેક છે. એક સત્ત્વગુણ, એક રજોગુણ કે એક જ તમોગુણ એમ નથી. તેઓ અનેક છે અને તેથી જ તો કાર્યમાં યુગપદ્ વૈવિધ્ય સંભવી શકે છે. તેઓ પોતે વધતા-ઓછા પ્રમાણમાં આવિભૂતિ થાય છે. પણ નિજસ્વરૂપને તજતા નથી. કોઈપણ ગુણ અન્ય ગુણમાં પરિણમતો નથી. તેમનો નાશ પણ નથી અને તેમને ઉત્પન્ન કરી શકાતા નથી. આમ, દ્વતમૂલક વસ્તુવાદ (Dualistic Materialism) નો પાયો એ આ સાંખ્યની ત્રિગુણ વ્યવસ્થા છે. ભૌતિક કે વૈચારિક સૃષ્ટિના સર્જનની વિકાસ પ્રક્રિયામાં વિજ્ઞાન અને દર્શનને સાંખે એક અગત્યની કડી પૂરી પાડી છે. ગુણવૈષમ્યના કારણે પ્રકૃતિમાં પરિણમન થાય છે. વૈષમ્યાવસ્થામાં તે પરિણમન ભિન્ન ભિન્ન પ્રકારનું હોય છે. યોગભાષ્ય આ પરિણમન ત્રણ પ્રકારનું દર્શાવે છે: (1) ધર્મપરિણામ - ધર્મોમાં પરિણમન તે.૨ એટલે કે ધર્મીના કોઈ ધર્મનો તિરોભાવ થતાં અન્ય ધર્મનો આવિર્ભાવ થવો તે. દા.ત. માટીના પિંડમાંથી ઘટની ઉત્પત્તિ થવી. (2) લક્ષણ પરિણામ - ભૂત, વર્તમાન તથા ભવિષ્યરૂપ પરિણમન. આ ત્રણેય કાળના લક્ષણો ધર્મીમાં સાથે જ હોય છે. પણ તેમાંનો એક અન્ય બેનો નિરોધ (Supression) કરી આવિર્ભાવ પામે છે. જેમકે ઘડો માટીમાંથી જ્યાં સુધી આવિર્ભાવ પામતો નથી, ત્યાં સુધી તેનું અનાગત લક્ષણ વ્યક્ત હોય છે. જયારે તે આવિર્ભાવ પામે છે, ત્યારે એ અનાગત લક્ષણનો નિરોધ થાય છે અને વર્તમાન લક્ષણ વ્યક્ત થાય છે વગેરે.