________________
મળતું, પ્રાયઃ ઇસ્વીસનના આરંભ આસપાસમાં રચાયેલું, સુપ્રસિદ્ધ “નમોસ્તુસ્તવ” અને તેના સમયની લગોલગનું જ, આવશ્યકસૂત્રમાં સમાવિષ્ટ “ચતુર્વિશતિજિનસ્તવઃ” અને છેલ્લે ઇસ્વી પાંચમી સદીના મધ્યમાં રચાયેલા, દેવવાચકકૃત નંદિસૂત્રના આદિ મંગલરૂપે મળતી સ્તુતિ. આમાં ત્રણ અર્ધમાગધી ભાષામાં નિબદ્ધ છે. મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલી કૃતિઓ વિષે જોતાં પહેલાં આ ચાર વિષે કંઈક વિસ્તારથી ક્રમવાર જોઈશું. (નંદિસૂત્રની [મૂલતઃ અર્ધમાગધી સ્તુતિ હાલ તો મહદંશે મહારાષ્ટ્રી પ્રાકૃતમાં ઢાળેલી જોવા મળે છે. તેને મૂળ અર્ધમાગધીરૂપમાં રજૂ કરવાનો અમે પ્રયત્ન કર્યો નથી.)
અર્ધમાગધી સ્તુતિ-સ્તવો (૧) સૂત્રકૃતાંગસ્થ મહાવીરસ્તુતિ' (પ્રાયઃ ઇ.સ.પૂ.૨૫૦)
સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયન રૂપે મળતી “મહાવીર સ્તુતિ” એ અર્ધમાગધી ભાષામાં અને આર્ષ શૈલીમાં રચાયેલી, અર્હત્ વર્ધમાનના ગુણકથનસ્વરૂપ, સ્તુતિ છે. એને પ્રાચીનતમ અતિરિક્ત વાસ્તવિક અર્થમાં સ્તુતિરૂપે ઘટાવી શકાય. પ્રસ્તુત કૃતિ પ્રાચીન ગણાતા (અને વૈદિક સાહિત્યમાં વપરાતા) ત્રિપુભ છંદમાં નિબદ્ધ ૨૯ પદ્યો ધરાવે છે. તેમાં આરંભે આગામોમાં સૌથી જૂના આચારાંગ (ઇ.સ.પૂ.૫૦૦-૩૦૦)ના પ્રાચીન સ્તરોમાં ખાસ નહીં જોવા મળતું તેને વસ્તુતયા પહેલી જ વાર સ્પષ્ટ રૂપ જિનનું બિરૂદરૂપ “મહાવીર” અભિધાન સામે આવે છે. જ્યારે પદ્ય ૨૨માં, અને આગમોમાં તો સંભવતઃ પ્રથમ જ વાર, જિનનું અસલી અભિધાન “વર્ધમાન' રજૂ થાય છે. અન્યથા અહીં સ્તોત્રમાં (એવું અન્યત્ર પ્રાચીન આગમોમાં) સર્વત્ર તેમના જ્ઞાતૃવંશીય ક્ષત્રિય હોવાની વાતના ઉપલક્ષમાં “નાતપુત્ત” અને ક્વચિત્ “નાતસુત'ના પ્રયોગથી તેમ જ ગોત્ર કશ્યપ’ હોવાથી કાશ્યપ ઉપનામથી (તેમ જ મહર્ષિ, મુનિ, મહામુનિ, વીર આદિ સંજ્ઞાઓથી) તેમને સૂચિત કર્યા છે. (બૌદ્ધ પાલિ ત્રિપિટક ગ્રંથોમાં તો “મહાવીર'ને સ્થાને ઠેર ઠેર નિગંઠ નાતપુર અભિધાન જ પ્રયોજાયું છે.)
સૂત્રકૃતાંગસ્થ આ સારીયે રચના જિન વર્ધમાન મહાવીરના ગુણાનુવાદરૂપે છે. અહીં તેમને પ્રથમ જ વાર “સર્વજ્ઞ (સવ્વષ્ણ) અને “સર્વદર્શી' (સવૅસ્સી) એટલે કે સર્વદ્રષ્ટા કહેવામાં આવ્યા છે, જે વાત શ્રુતસાહિત્યમાં પ્રાચીનતમ એવા આચારાંગસૂત્રના પ્રથમ સ્કંધમાં નથી. સ્તુતિના ક્લેવરને ધ્યાનથી જોતાં તેમાં મહાવીરના આધ્યાત્મિક ગુણવિશેષ નહીં પણ ઉત્તમ પુરુષનાં, અતિમાનવ Supermanનાં લોકોત્તર આત્મિક પરિમાણોનો વિશેષણો, ઉપમાઓ, અને તુલનાઓ દ્વારા નિર્દેશ કરેલો છે. પછીના કાળે તીર્થકરોના સંબંધમાં આવનાર મહિમાપક વિભૂતિઓ (૩૪ બુદ્ધાતિશેષ વા અતિશયો, અષ્ટ મહાપ્રતિહાર્યો, દિવ્ય સમવસરણ (વા શમવસરણ), દર્શનાર્થે શક્રાદિ દેવતાઓના આગમન, અને દિગંબર સંપ્રદાયના મનાતા તીર્થકરોનો નભોવિહાર, ધરતી પર નહીં પણ આકાશમાં નિર્માણ થતાં સમવસરણ આદિનો જરા સરખો પણ ઉલ્લેખ નથી, જે મુદ્દો પ્રસ્તુત સ્તુતિની પ્રાચીનતમતા સૂચિત કરે છે. બીજી બાજુ તેમાં જિન મહાવીરને મોટા દેખાડવા અન્ય તીર્થોના મહાપુરુષો (વૈદિક ઋષિઓ, ગૌતમ બુદ્ધ, મંખલિપુત્ર ગોશાલક, પૌરાણિક દેવો હરિ, હર, પિતામહ (ઇત્યાદિ)ને ઉતારી પાડવાની પણ ક્યાંયે ચેષ્ટા નથી, તે વાત પણ સ્તોત્રના રચનાસમયના નિર્ણયપ્રસંગે ઉપયુક્ત બને છે.