________________
સ્વાર્થાંધતા, સર્વ સુકૃતોને જાણે વ્હેરતી રાજકારણીય કરવત અને કરવટ...વગેરે વગેરે જોતાં, પેલી મોકળાશે ને ગાન-છંદે પાછાં વળવા જેવું ખરું નહીં ?) આપણું લગભગ બધું ધર્મસાહિત્ય હતું પદ્યમાં. ભિન્નભિન્ન ધર્મે એકસમાન છંદો ! લગભગ સમાન ગાનરીતિ. પ્રજાજીવનનો લય એક હતો ! લોક ધર્મપરક ખરું પણ ધર્મ ઉત્સવોન્મુખ ને ગાનપરક ! વળી મોકળાશભર્યો. જેને જેમાં માનવું હોય તેમાં તે માને. વૈદિકો ‘ખટદર્શનના જૂજવા મતો'વાળા, એટલે ‘સુતર આવે (ઠીક લાગે ને અનુકૂળ પડે તેમ) ત્યમ તું રહે, જ્યમત્યમ કરીને હરિને લહે' – એ મુખ્ય વણલખ્યો અભિગમ. તાત્ત્વિક પણ ખરો (કારણ કે ‘ધર્મસ્ય તત્ત્વ નિહિત મુદ્દાયામ્' !) ને વ્યવહારુ પણ ખરો. ‘તત્ત્વનું ટૂપણું તુચ્છ લાગે' – વાળો વ્યવહાર. ‘મેલ મમતા પરી’, ને ‘ખટપટને ખટપટવા દે' એ લોકવલણ સદાચાર પર ભાર. વળી તત્ત્વવેત્તાઓ ને ચર્ચકો કરતાં ઋષિ-મુનિ-સંતો-સાધુઓ-ફકીરો-ઓલિયાનો પ્રભાવ જ વિશેષ.
ધર્મોની ગંગોત્રી-જમનોત્રી :
આમ તો જગતના લગભગ બધા જ ધર્મોનો એક વિરાટ મેળો, એક સનાતન સંમેલન ભારત છે. એમાંના જૂનામાં જૂનાની ગંગોત્રીઓ અહીં છે. આમાં પ્રાચીનતમ ધારાઓ બે : વૈદિક ધારા અને શ્રમણધારા. બન્ને ઇસ્વીસન પૂર્વેની. વૈદિક જેમ અનેક સરિતાઓમાં વહી, એમ શ્રમણ પણ. એ શ્રમણની એક મુખ્ય સરિતા તે નિર્પ્રન્થ; તે જૈન એના છેલ્લા (૨૪મા) તીર્થંકર તે ભગવાન મહાવી૨ (પ્રાગટ્ય ઇ.સ.પૂ.૫૩૯ પાર્શ્વ એમની પહેલાંના, તે એમનાથી પચાસેક વર્ષ પહેલાંના.) પાર્શ્વનાથ ચાતુર્યામી (સત્ય, અસ્તેય, અહિંસા અને અપરિગ્રહના ચાર મુખ્ય વ્રતોવાળા), ‘સહજીવોસમાન'ની સામયિકતાવાળા, વીતરાગ. અને મહાવીર ૩૦ની વયે દીક્ષા પછી તપ-સાધના અને પછી કેવલજ્ઞાન પછી લોકકલ્યાણાર્થે સતત વિચરણ અને બોધ. ૭૨ની વયે નિર્વાણ. એમના ઉપદેશો આચારાંગ (આયાર) અને સૂત્રકૃતાંગ (સૂયગડ)માં સંગૃહિત કરવામાં આવ્યા છે.
બુદ્ધ-મહાવીર ઃ એકસાથે બે યુગાવતારો ઃ લોકભાષા-પ્રવર્તકો :
:
આપણે અહીં નિગ્રન્થ સ્તોત્રોને અનુસંધાને વિચારીએ છીએ. તેથી બુદ્ધસ્મરણને સહેજ બાજુ પર રાખ્યું. બાકી, આજથી અઢીએક હજાર વરસ પહેલાં બેય પ્રભાકરો એકસાથે પ્રગટ્યા ! બેય અહિંસાધર્મી લોકવચાળે વિચરતા, લોકબોલીમાં જ પ્રતિબોધતા પ્રબુદ્ધો ને સિદ્ધો ! બેયે મળીને એક બહુ મોટી ક્રાન્તિ કરી : ગાંધી-વિનોબાએ જેમ સૌને પ્રાર્થનામાં જોડવાનો અભિગમ રાખ્યો, એમ સમગ્ર પ્રજાને અધ્યાત્મની ઉન્નતિમાં જોડવાનો ઉપક્રમ રાખ્યો. એ માટે લોકવાણી પ્રયોજી. વાણી એ ભાષાની માતા છે. વાણી છે તો એમાંથી શિષ્ટોની પરિમાર્જિત ભાષા બને. ત્યારે દેશ – મોટા ભાગનો – દ્વિભાષી હતો. ઊંચું ગણાતું લોક સંસ્કૃત બોલતું (જો કે નોંધપાત્ર તો એ પણ છે કે ભાષાને માથે ‘સંસ્કૃત’ એવું નામ તો બહુ પછીથી રૂઢ થયું !) પણ જનભાષા હતી પ્રાકૃતો. જે તે પ્રદેશમાં જે તે પ્રદેશની આગવી પ્રાકૃત હતી. એ વાણીમાં જ બુદ્ધ-મહાવીરની વાણી વહી; ને પછી સ્તુતિ-સૂત્ર-શ્રુતિ-એમાં થયાં. એ ઇ.સ.પૂ. છઠ્ઠી-પાંચમી સદીથી ઇસ્વી. ૯મી-૧૦મી સદી સુધીનો ગાળો. એના પાછલા ભાગમાં વળી ત્રણ ભાષાઓ બોલાતી : સંસ્કૃત, પ્રાકૃત ને અપભ્રંશ. ઉત્તરભારત આખું આવું હતું. પ્રાકૃત એક ભાષા નથી, અનેક વાણી છે. અલબત્ત,
૨૩