________________
જેમાં સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય અને અષ્ટપાહુડનો સમાવેશ થાય છે. સર્વ આગમશાસ્ત્ર માગધી અથવા સંસ્કૃત ભાષામાં લખ્યા હોવાથી તત્ત્વચિંતન માટે ભાષાજ્ઞાન હોવું ખૂબ જરૂરી છે.
આ કાળમાં શ્રીમદ્ રાજચંદ્ર લખે છે કે,
‘‘જિનપ્રવચન દુર્ગામ્યતા, થાકે અતિ મતિમાન અવલંબન શ્રી સદ્ગુરૂ, સુગમ અને સુખખાણ.''
તેથી આગમ સમજવા માટે સત્પુરૂષની જરૂર છે. સદ્ગુરૂ જેમણે વીતરાગપ્રભુના બોધને આધારે આત્મઅનુભવ કર્યો છે. સ્વસ્વરૂપની સ્થિતિ કરી છે અને જેમણે શાસ્ત્રની ઉંડી સમજણ પ્રાપ્ત કરી છે તેવા જ સદ્ગુરૂ શિષ્યને જ્ઞાન આપી શકે. સમકિત કરાવી શકે.
મહાન વૈજ્ઞાનિક તીર્થંકર મહાવીરસ્વામી.
મહાવીરસ્વામી મહાન વૈજ્ઞાનિક હતા, તે એમના બોધ દ્વારા આજના આધુનિક જગતને જણાય એમ છે. જૈન ધર્મમાં વિનય અને વિવેકના આધારે સત્ય જાણવાની પ્રક્રિયા છે. વર્તમાનમાં જે જ્ઞાનગુણના આધારે, વૈજ્ઞાનિકોએ અનંત શોધ કરી છે, તે ગુણ આત્માનો છે. આત્માની અરૂપી દશા તથા અનંત ગુણની સાક્ષી ન મળવાથી, આજનો વૈજ્ઞાનિક તેને પૂરવાર કરી શકતો નથી ત્યારે મહાવીરસ્વામીએ આત્મજ્ઞાન દ્વારા હજારો વર્ષ પહેલા બોધ આપ્યો તેનો અનુભવ જયારે મુમુક્ષ કરે ત્યારે તીર્થંકરો ઉપર અહોભાવ થાય છે. જ્ઞાનગુણનો આધાર શ્રદ્ધા અને આત્માનો અનુભવ છે. બીગ બેન્ગ, બ્લેક હોલ, બ્રહ્માંડ, ગેલેક્સી તેની શરૂઆત કોઈ વૈજ્ઞાનિક જણાવી શકતું નથી, મહાવીર સ્વામીએ પણ જગતને અનાદિ અનંતની રચના કહી છે.
આત્મા નિત્ય હોવાથી તેના મૂળભૂત ગુણો, અજર, અમર, અવિનાશી, અરૂપી, અણાહારી, જ્ઞાનસ્વભાવી, સ્વપરપ્રકાશક, ચૈતન્યઘન, સહજઆનંદ, અવ્યાબાધસુખ, અગુરૂલઘુ જેવા અનંતગુણ ધરાવે છે, જે ત્રણે કાળ કદી ક્ષય થતા નથી.
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ