________________
એમનાં ચિંતનશીલ પુસ્તકોએ પણ લોકોને જૈન ધર્મની વ્યાપકતા અને સર્વજનસ્પર્શિતાનો અનુભવ કરાવ્યો.
ગુજરાતી ભાષામાં વાચકોને આવા વિરાટ જીવનની પ્રતિભાનો પરિચય આપવાનું ઘણું મોટું કામ મારા પરમ મિત્ર શ્રી દિલીપભાઈ શાહે કર્યું છે. દિલીપભાઈ કોઈના પર વરસી પડે એવી વ્યક્તિ નથી પરંતુ જે યોગ્ય લાગે તેને યથાર્થ રીતે પુરસ્કારે છે. ચાર ચાર વર્ષની જહેમત લઈને એમણે પૂ.શ્રીના જીવનને ક્રમબદ્ધ રીતે આ પુસ્તકમાં આલેખ્યું છે. એમના જીવનમાં આવેલા હૃદયદ્રાવક પ્રસંગો, આંતર અનુભૂતિઓ, એમની લોકચાહના અને વિદેશમાં કરેલાં કાર્યોનો સુંદર આલેખ આપ્યો
છે.
આપણે ભલે ગુણોની અનુમોદનાની વાત કરીએ, પરંતુ આપણી પોતાની પ્રતિભાઓને પોંખવામાં આપણે ઘણા પાછા પડીએ છીએ. આવે સમયે શ્રી દિલીપભાઈ શાહે આ ગ્રંથ આપીને સમાજની ઘણી મોટી સેવા કરી છે. એમના આવા અથાગ પુરુષાર્થને ધન્યવાદ.
તા. ૧૩-૦૨-૨૦૧૯
કુમારપાળ દેસાઈ