________________
બેફામ કવિએ કહ્યું છે : ‘જીવનનો રસ્તો માત્ર ઘરથી કબર સુધીનો છે.” પણ અહીં તો ઘર જ કબર બની ગયા હતા. જે છત અને છાપરાએ અત્યાર સુધી રક્ષણ આપ્યું હતું તે જ અત્યારે ભક્ષણ કરનારા બન્યા હતા. ‘જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી' કલાપીની આ પંક્તિ કેટલી યથાર્થ છે ?
અનેક ગામો સાથે અમારું મનફરા ગામ પણ ધરાશાયી બન્યું. દેરાસર, ઉપાશ્રય આદિ ધર્મસ્થાનો સહિત લગભગ તમામ મકાનો જમીનદોસ્ત બન્યા. અમારું ગામ વિક્રમની ૧૭મી સદીના પ્રારંભમાં જ (વિ.સં. ૧૬૦૬) વસેલું છે. ત્યારની ઊભેલી ગામ વચ્ચેની જાગીર (લગભગ સાડા ચારસો વર્ષ જૂની આ મજબૂત જાગીરને જો ઈ કોઈ નિષ્ણાત ઈજનેરે કહેલું : હજુ ઓછામાં ઓછા બસો વર્ષ સુધી આ જાગીરને કોઈ જ વાંધો નહિ આવે.) પણ પૂર્ણતયા ધ્વસ્ત થઈ.
ગામની શોભારૂપ દેવવિમાન જેવું રૂપાળું ૩૪ વર્ષ જુનું તીર્થ જેવું દેરાસર પણ પત્થરોના ઢગલારૂપે ફેરવાઈ ગયું. મનફરાના ૪૫૦ વર્ષના ઈતિહાસમાં ગામનો પૂરેપૂરો સફાયો પહેલી જ વખત થયો. જો કે ધરતીકંપનો પ્રદેશ હોવાથી કચ્છમાં અવારનવાર ધરતીકંપો આવતા રહે છે. આવો જ મોટો ધરતીકંપ ઈ.સ. ૧૮૧૯, ૧૬મી જૂનના દિવસે આવેલ, જેના કારણે સિંધુ નદીના વહેણ કચ્છમાં આવતા કાયમ માટે બંધ થઈ ગયા. કચ્છ કાયમ માટે વેરાન થઈ ગયું. “કચ્છડો બારે માસ'ની ઉક્તિ માત્ર લોકજીભે જ રહી. વાસ્તવિકતા તદ્દન વિપરીત બની ગઈ. એ ધરતીકંપથી પશ્ચિમ કચ્છમાં વધારે નુકશાન થયું હશે, પૂર્વ કચ્છ (વાગડ) બચી ગયું હશે, એમ ૪૫૦ વર્ષ જૂની જાગીર અને ૮૦૦ વર્ષ જૂના ભદ્રેશ્વરના જિનાલયને જોતાં લાગે છે. એ પહેલાં વિ.સં. ૧૨૫૬માં ભયંકર ભૂકંપ આવેલો. જેના કારણે નારાયણ સરોવરનું મીઠું પાણી ખારું થઈ ગયેલું, એમ ઇતિહાસવેત્તાઓ કહે છે.
હજાર વર્ષમાં બે-ત્રણ વાર આવતા આવા ભૂકંપથી પહેલા કરતાં પણ અત્યારે તારાજી ખૂબ જ થઈ છે. કારણ કે બહુમાળી મકાનોની