________________
પાલીતાણા
વૈશાખ વદ-૯ ૨૭-૫-૨૦૦૦, શનિવાર
* વીખરાયેલા ફૂલો સાચવી શકાતા નથી, વીખરાઈ જાય છે. વીખરાયેલા ફૂલોને સાચવવા હોય તો માળા બનાવવી પડે. પુષ્પમાળાને તમે સુખપૂર્વક કંઠમાં ધારણ કરી શકો. ભગવાનના વેરાયેલા વચનપુષ્પોની ગણધર ભગવંતોએ માળા બનાવી છે, જેને આજે આપણે આગમ કહીએ છીએ. આગમ એટલે તીર્થંકરોએ વેરેલા વચન-પુષ્પોમાંથી ગણધરોએ બનાવેલી માળા !
* ત્રણ તીર્થ છે : (૧) દ્વાદશાંગી (૨) ચતુર્વિધ (૩) પ્રથમ ગણધર.
આ તીર્થની આરાધના કરનાર અવશ્ય મોક્ષગામી બને. ઉત્કૃષ્ટ આરાધના તે જ ભવે મોક્ષ આપે. '
* તમે મુશ્કેલીથી ગોચરી લાવો ને મંગાવનાર વાપરે નહિ તો તમને કેટલું દુઃખ થાય ? ગણધરોએ આટલા પરિશ્રમથી આગમો ગુંથ્યા, પૂર્વાચાર્યોએ ટકાવ્યા, ગુરુદેવોએ ઉપદેશ્યા. ને આપણે એ પ્રમાણે જીવીએ નહિ, જીવવા પ્રયત્ન કરીએ નહિ, પ્રયત્ન કરવાનું દુઃખ પણ રાખીએ નહિ તો તે મહાપુરુષોને કેટલું દુઃખ થતું હશે ?
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૩૦૦