________________
પૂજ્યશ્રી ઃ ભવિતવ્યતા બીજા માટે વિચારી શકાય, પોતાના માટે નહિ. નહિ તો પુરુષાર્થ ગૌણ બની જાય. પોતાના ભૂતકાળ માટે ભવિતવ્યતા લગાવી શકાય. પહેલેથી જ ભવિતવ્યતા સ્વીકારી લઈએ તો ધર્મ કે ધર્મશાસ્ત્રોનો કોઈ અર્થ નહિ રહે. ગોશાલક-મત આવીને ઊભો રહેશે.
ધર્મમાં ભવિતવ્યતા લગાડનારાઓને પૂછું છું :
તમે વેપારમાં ભવિતવ્યતા લગાડો છો ? ભોજનમાં ભવિતવ્યતા લગાડો છો ?
નિયતિને આગળ કરી ઘણા પુરુષાર્થહીન બની ગયા છે. સમજાવવા છતાં તમે ન માનો તો હું ભવિતવ્યતાનો દૃષ્ટિકોણ અપનાવી શકું. તમે સ્વયં તમારા માટે ન અપનાવી શકો. માટે સ્વાધ્યાયની પ્રતિજ્ઞા આપું ? કે નવા વર્ષે ?
કંઈક નવું ભણશો ? ભૂલાઈ જવાના કારણે નવું ભણવાનું છોડી નહિ દેતા. ભલે એ ભૂલાઈ જશે, પણ એના સંસ્કારો અંદર પડ્યા રહેશે.
જેટલા સૂત્રોના અર્થ દૃઢ-રૂઢ બનાવશો તેટલા સંસ્કારો ઊંડા ઊતરશે.
નમુન્થુણં પણ મને કેટલું કામ લાગે છે ? અભય, ચક્ષુ, માર્ગ આદિને આપનારા ભગવાન માથે બેઠા છે, મારે ચિંતા શી ? કદી કોઈ જોષીને કુંડલી-કુંડલી બતાવી નથી. કે ભવિષ્યની ચિંતા નથી કરી. આ બળ કોણ આપે છે ? અંદર બેઠેલા ભગવાન.
સંસારી લોકો પૈસા ખર્ચીને પ્રસિદ્ધિ મેળવે. આપણે થોડુંક જ્ઞાન પ્રદર્શિત કરી પ્રસિદ્ધિ મેળવીએ. ફરક શો પડ્યો ? આપણું જ્ઞાન પ્રદર્શક નહિ, પ્રવર્તક હોવું જોઈએ, આ વાત હું ઘણીવાર કહી ચૂક્યો છું.
આગમની માત્ર પૂજા નથી કરવાની, ભણવાનું છે, સમજવાનું છે, આગળ વધીને તે પ્રમાણે જીવવાનું પણ છે.
અધ્યાત્મ ગીતા
જિણે આતમા શુદ્ધતાએ પિછાણ્યો, તિણે લોક અલોકનો ભાવ જાણ્યો;
કહે કલાપૂર્ણસૂરિ-૧
૪૯