________________
ઉત્તર : સાધુ જે ભૂખ-તરસ સહે છે, તેમાં સંકલેશ નથી થતો, પરંતુ આનંદ થાય છે. કારણ કે જાણે છે કે આનાથી અસતાવેદનીય આદિ કર્મ ખપે છે. અરે, કેટલીકવાર તો જાણી જોઈને ઉપવાસાદિ કરીને ભૂખ સહે છે. ભગવાનનું છમસ્થ જીવન જુઓ. કેટલી ઘોર તપશ્ચર્યા !
જો કે આ તપ બધા માટે ફરજિયાત નથી. જેવી જેની શક્તિ અને ભાવના ! એક લોચ ફરજિયાત છે ! એ ધર્મ અને સત્ત્વ વધારવા માટે છે. લોચાદિના કાયક્લેશથી સાધુ પાપકર્મની ઉદીરણા કરે છે. ભવિષ્યમાં આવનારા પાપકર્મોને અત્યારથી જ ઉદયમાં લાવીને ખતમ કરી દેતાં ભાવિના તેટલા પાપકર્મો ખપી જાય છે. તેથી સાધુ આનંદ માને છે.
- કાલગ્રહણમાં વહેલું ઊઠવું, સાવચેતી રાખવી, વગેરે શા માટે ? આવી પ્રક્રિયામાંથી પસાર થયાં, પછી પણ એવી જાગૃતિ અને એવો અપ્રમાદ બન્યો રહે માટે. યોગોદ્વહનમાં જાગૃતિના સંસ્કારો અપાય છે.
- વ્યાધિના ક્ષયમાં દર્દીઓ કડવામાં કડવા ઉકાળાઓ – દવાઓ વગેરે પ્રેમથી લે છે. ઉપવાસ કરે છે, પરહેજી પાળે છે તેમ અહીં પણ સાધુ બધું પ્રેમથી કરે છે; કર્મના રોગને કાઢવા.
કડવી દવા ન પીએ, માલ-મલીદા ખાય, પરહેજી ન પાળે તો દર્દીની શી હાલત થાય ? રોગ ઉલ્ટો વધે. અનુકુળતાથી આપણો કર્મ-રોગ વધે છે.
દાળ-શાકના ઠેકાણા ન હોય, રોટલી ઉતરે જ નહિ તેવી હોય, તે વખતે તમને આનંદ થાય ? સાચું કહેજો. ખરેખર આનંદ થવો જોઈએ. શુદ્ધ ગોચરીથી આનંદ આવવો જોઈએ.
ઉદ્વેગપૂર્વક વાપરો તો ધૂમ્ર દોષ લાગે. યાદ છે ને ?
અનુકૂળ ભોજન હોય, પણ દોષિત હોય, ત્યારે મનની સ્થિતિ કેવી ? મનમાં છૂપો પણ આનંદ થતો હોય તો ચેતી જજો.
ભગવાનનો પ્રભાવ તો જુઓ ? કોઈ પણ સ્થળે જૈન સાધુને આહારપાણી ન મળે એવું ન બને. એક પણ જૈન ઘર ન હોય તો પણ ન બને.
કહે કલાપૂર્ણસૂરિ-૧
* * *
* * * * * * * * * ૧૬૯