________________
ચિત્ર નૃત્ય નાટચ અને સંગીત
૫૩ બીજી ચિત્રિત હસ્તપ્રત ભાવનગરમાં ડોસાભાઈ અભેચંદના સંગ્રહમાંથી પ્રાપ્ત થઈ છે, જેનાં ચિત્ર પણ ઉલ્લેખપાત્ર છે. આ હસ્તપ્રતની નકલ નિકુશલ નામના લહિયાએ ભાવનગરમાં વિ.સં. ૧૮૫૫(ઈ.સ. ૧૭૯૮–૯૮)માં કરી હતી. આ હસ્તપ્રતનાં ચિત્રોમાં જે પાત્રોનું આલેખન કરવામાં આવ્યું છે તેમની વેશભૂષા નેધપાત્ર છે. પુરુષપાત્રો કલગીવાળી પાઘડી અને આખી બાંયવાળા પગ સુધીને જામે પહેરેલ જોવા મળે છે. સ્ત્રી પાત્રો સૌરાષ્ટ્રી ઢબનાં ચોળી ચણિયે અને ઘાઘરો ધારણ કરેલ જોવા મળે છે. પાત્રોની આંખનું આલેખન એકચક્ષ્મી છે, જે પશ્ચિમ ભારતની લઘુચિત્રશૈલીની અસર સૂચવે છે. પુરુષ અને સ્ત્રી પાત્રોના અલંકાર ચિત્રની સમૃદ્ધિમાં વધારો કરે છે. પાત્રોની સમગ્ર આકૃતિ ઘાટીલી સપ્રમાણ અને સુંદર છે. આ હસ્તપ્રતનાં ચિત્રોમાં કરવામાં આવેલ પશુપંખીનું આલેખન વાસ્તવિક છે.
આ સમયમાં ચિત્રિત કરવામાં આવેલી સંગ્રહણી સૂત્રની હસ્તપ્રતોમાં પણ કથાનુસાર ચિત્ર જોવા મળે છે. વિ. સં. ૧૮૧૧(ઈ.સ. ૧૮૫૪–૫૫)માં આ સૂત્રની એક હસ્તપ્રતની નકલ અમદાવાદમાં હાજા પટેલની પોળના એક મકાનમાં બેસીને કરવામાં આવી છે. આ હસ્તપ્રતમાં ચક્રવતીનાં ૧૪ રત્ન, મેરુપર્વત, અને દ્વીપનું આલેખન કરવામાં આવ્યું છે.
સં. ૧૮૮૬(ઈ.સ. ૧૮૨૯-૩૦)માં વડોદરામાં ચીતરવામાં આવેલી મધુમાલતી પદ્યવાર્તાની હસ્તપ્રતમાં જે ચિત્ર આલેખવામાં આવ્યાં છે તેઓમાં મરાઠી અસર સ્પષ્ટ દેખાય છે.
આ સમયની હસ્તપ્રતોનાં પાનાંઓના હાંસિયાઓને પણ ચિત્રકારોએ આકર્ષક સુશોભનોથી સજાવેલ છે, જેમાં હંસપંક્તિ વેલબુટ્ટી હાથી હરણ ઘડા પોપટ મેર અને ભૌમિતિક આકૃતિઓ આકર્ષક છે.
જન્મપત્રિકા અને ચિત્રકલા
આ સમયગાળામાં તૈયાર કરવામાં આવતી જન્મપત્રિકાઓમાં નવ ગ્રહનાં ચિત્ર જોવા મળે છે. એમાં સૂર્યને સાત ઘોડાના રથમાં, ચંદ્રને હરણની ગાડીમાં, મંગળ અને બુધને વૃષભ પર, ગુરુને ઐરાવત પર, શુકને ઘોડા પર, શનિને મહિષા પર, રાહુને વાઘ પર, અને કેતુને મચ્છના મુખમાં આલેખવામાં આવેલ છે. આ ઉપરાંત જન્મપત્રિકાઓમાં કુંડળીઓ માટે કલાત્મક ભૌમિતિક આકૃતિઓ તૈયાર કરી એમાં રંગ પૂરવામાં આવતા.